________________
૩૩૨
ગીતા દર્શન
જ હોય છે, તેનાથી કશું અજાણ નથી.) છતાં મને તો (ઈન્દ્રિયગમ્ય મારું સ્વરૂપ ના હોવાથી ઈન્દ્રિયો દ્વારા) કોઈએ જાણતું નથી. (દા.ત. દીવો સ્વયં પ્રકાશે છે, બીજા પદાર્થને પ્રકાશ આપે છે. પણ પદાર્થો અને પ્રકાશ આપી શકતા નથી.)
નોંધ : ઠેઠ વીસમાથી માંડીને છવીસમા શ્લોક લગીના અનુવાદમાં ઘણી બીનાઓ કહેવાઈ ગઈ છે. છતાં બીજી રીતે (નોંધમાં) અહીં થોડી વાતો વિચારીએ.
માણસ કામનાથી ઘેરાય છે, ત્યારે આત્મજ્ઞાનના પ્રકાશને બદલે એનાં બુદ્ધિ, મન, ઈન્દ્રિયો વગેરે એ કામના પૂરવાની તાલાવેલીમાં લાગી જાય છે. આવી સ્થિતિમાં જે લોકો શ્રદ્ધાનો મસાલો ધરાવતા નથી તે તો વળી હિંસા, લૂંટ, ચોરી, અનાચાર-ઈત્યાદિ અનર્થોમાં પડે છે. પણ જેઓ શ્રદ્ધાનો મસાલો ધરાવતા હોય છે, તેઓ કોઈ દેવતાની મદદ લેવા લલચાય છે. દરેક દેશની પ્રજામાં ભય-લાલચનું દરેક કાળે ઓછા વધતાપણું હોય છે, ત્યાં આવી દેવતાપૂજનની પ્રથા પણ ઓછા વધતા પ્રમાણમાં ચાલુ જ હોય છે.
આર્યાવર્તમાં ગાય, અગ્નિ, સૂર્ય, જળ, નાગ ઈત્યાદિ સચેતન તત્ત્વોની પૂજા છે, એ મૂર્તિપૂજા કરતાં કંઈક ઊંચા પ્રકારની કામનાપ્રેરિત ઐહિક પૂજા છે.
ગણપતિ, હનુમંત, લક્ષ્મી, સરસ્વતી એવાં જુદાં જુદાં દેવ દેવીઓને ભય નિવારવા કે ધનવિદ્યાદિ મેળવવાની લાલચ પૂરવા માટે ઉપાસે છે. કોઈ મંત્રદ્ધારા તો વળી કોઈ પથ્થર કે ધાતુની મૂર્તિ બનાવીને તેની ઉપાસના કરે છે. આ બધા મૂર્તિપૂજાના પ્રકારો છે.
આ ઉપાસનામાં શ્રદ્ધા-એકાગ્રતાનું દીવેલ હોય તો જ તે ફળે છે. અને એ શ્રદ્ધા દઢ થાય છે તે પણ આત્માને લીધે. કામના થવામાં પણ જીવની અજ્ઞાનમય દશા કારણભૂત હોય છે અને કામના ફળે છે તેનું કારણ તો એકાગ્રતા છે. જે એકાગ્રતાનું ફળ આત્મસ્થિરતા અને તેને લીધે જન્મતું નિત્ય સુખ મળવું જોઈએ તેને બદલે માત્ર સાંસારિક ભોગો મળે છે, તે તો રૂપિયા આપીને કોડી ખરીદવા જેવું છે.
દેવોને રીઝવવા માટે જે વિધિ આચરવી પડે તેમાં તપ હોય, ત્યાગ હોય, એકાગ્રતા હોય, શ્રદ્ધા હોય, એમ બધો નક્કર માલ હોય છે. પણ એ બધું પોતાની પ્રકૃતિને તાબે રહીને કરાતું હોય છે, વિશુદ્ધ આત્માને તાબે રહીને નહિ! આથી જ જાય છે રૂપીઓ ને આવે છે કોડી, અને તે પણ ફુટેલી જ. બહુ બહુ તો દૈવી દશા પામે અને દેવી દશા એટલે સુંદર શરીર, બુદ્ધિ, મન વગેરે. પણ આત્મા અસુંદર