________________
અધ્યાય અઢારમો
૩૭
તે પરલોકમાંય છોડે તેમ નથી. છો ને, નાસ્તિક હોય, તેથી કર્મ કંઈ એને તજવાનાં છે? એટલે કર્મફળત્યાગ અને અનાસકિતભાવ સિવાય બીજો એકે માર્ગ નથી. શરૂઆતમાં અંગત વિકાસની પૂરી જરૂર છે, માટે ત્યાં પવિત્ર હૃદય કરવા માટે સામાન્ય સમજવાળાને હું યજ્ઞ, દાન અને તપની સૂચના ખાસ કરું છું. એ ત્રણેનો વ્યાપક અર્થ આ છે:
"યજ્ઞ એટલે ધર્મમય પુરુષાર્થ. દાન એટલે સ્વાર્થત્યાગ. તપ એટલે તૃષ્ણારૂપી રાક્ષસી પર અંકુશ. એ વ્યાપક અર્થ પ્રમાણે આદર્શને ન પહોંચી શકે તે એ આદર્શને સામે રાખી પ્રામાણિક પણે મથે, તોય એ વિકાસપ્રેરક છે, એવો મારો અભિપ્રાય છે.
"ભારત ! હવે હું તને કર્મનું તત્ત્વજ્ઞાન ટૂંકમાં સમજાવું : સાંખ્યસિદ્ધાંત તો તે સાંભળ્યો જ છે. એમના સિદ્ધાંતમાં પણ આ વાત છે.
"તું કોઈ પણ ક્રિયાનો દાખલો લે, પછી એ ન્યાયી હોય કે અન્યાયી ! પણ તેમાં અધિષ્ઠાન, કર્તા, સાધન, વ્યાપાર અને દૈવ એ પાંચ હેતુ દેખાશે. એટલે હું કરું હું કરું એમ જે અજ્ઞાની માને છે તે કેટલું ભૂલે છે? ખેતીમાં ક્ષેત્ર રૂપી અધિષ્ઠાન, ખેડૂતરૂપી ર્તા, બી તથા બળદ આદિ સાધન અને એ બધાના વ્યાપારો અને એ બધું હોય, છતાં વરસાદ ન હોય તો ન ચાલે. એમ વરસાદરૂપી દૈવનેય એ બધાની સહાય અપેક્ષિત છે. દરેક કર્મમાં પાંચ કારણો મળે છે. છતાં કોઈ ખેડૂત મેં જ પકવ્યું, એમ બોલે તો કેટલો મૂર્ખ ? માટે અહંકારને લીધે જ ફળદષ્ટિ અને આસકિતભાવનો સંભવ છે. અહંકાર નથી ત્યાં એ બંને હટી શકે છે, તેથી પાપ પણ હટી શકે છે.
"ધનુર્ધર ! આ તો કર્મની તાત્ત્વિક વાત થઈ કે જે જીવ અને અજીવ – જડ અને ચેતન સૃષ્ટિ બંનેને લાગુ પડે છે. હવે કર્મસંગી જીવ પરત્વે અને તેમાંય મનુષ્ય સંબંધે અંગત દાખલો લઈએ તો પ્રથમ કર્મની પ્રેરણા થાય છે, અને પછી કર્મનો સંગ્રહ થાય છે. એટલે કર્મની પ્રેરણાને જો નિર્મળ બનાવાય તો અહંકાર ટળી જાય.
"કર્મની પ્રેરણામાં જ્ઞાન, શેય અને જ્ઞાતાની શુદ્ધિ કરવી જોઈએ. કર્મસંગ્રહમાં કરણ, કર્મ અને કર્તા ત્રણ હોય છે. તેમાં કરણ તો બિચારાં પ્રકૃતિસ્થ છે, એટલે એ વિષે પણ જોવાનું નથી. ત્યારે જોવાનું માત્ર જ્ઞાન, કર્મ અને કર્તાપરત્વે જ રહ્યું.