________________
૫૬૮
ગીતા દર્શન
ભારત ! મનનું સમાધાન કરીને, ફળની ઈચ્છા રાખ્યા વગર આત્મપ્રાપ્તિના હતુએ જે કર્તવ્યયજ્ઞ થાય તે સાત્ત્વિક યજ્ઞ છે. ફળની આશા રાખી કિંવા ડોળથી જે યજાય તે રાજસી યજ્ઞ છે. રાજસી યજ્ઞ બંધનકર છે. રાજસીથી નીચા દરજ્જાનો તામસી યજ્ઞ છે, તે અધોગતિમાં લઈ જાય છે. કારણ કે તામસી યજ્ઞમાં તો શ્રદ્ધામાત્રનો છેદ ઊડી ગયો હોય છે. જોકે શ્રદ્ધા ન હોય એના કરતાં તામસી શ્રદ્ધા પણ સારી, પરંતુ તામસી યજ્ઞમાં તો સાચી શ્રદ્ધાનું તો નામનિશાન હોતું નથી.
અર્જુન ! દેવ, ગુરુ, વડીલ આદિનો વિનય, સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા એ બધાં જેમ માનસિક જોઈએ, તેમ કાયિક પણ જોઈએ. તેથી જીવનશુદ્ધિ થાય છે. સત્ય, પ્રિય હિતાવહ વચન સત્શાસ્ત્ર-પઠન, જપ, ધૂન એ બધાં વાચિક તપ છે. મનની પ્રસન્નતા, સૌમ્યતા, મનપ્રિયતા, આત્મસંયમ, હૃદયશુદ્ધિ એ બધી માનસિક તપસ્યા છે. પરંતુ એ ત્રણે તપ પાછળ જો મૂઢાગ્રહ હોય તો વેઠ ખાતર કરેલું તે તપ ઊલટું આત્માને પીડા કરે, માટે એ તામસી તપ છે. અને એ સર્વથા ત્યાજ્ય છે. કેટલાક અજ્ઞાની લોકો બીજા(બીજા કે જે ખરી રીતે એના આત્માતુલ્ય છે તે બીજા) ને પોતાનો શત્રુ માની તેને હેરાન કરવાના ઉદેશે તપસ્યા આદરે છે. તે પણ તામસી તપ જ છે અને ત્યાજ્ય છે. જે તપની પાછળ લૌકિક ઈચ્છા છે (જેને જૈનપરિભાષામાં નિયાણું કહેવાય છે) તે તપ નકામું છે. તપમાં દંભ પણ ન હોવો જોઈએ. નહિ તો જે ફળ મળે, તે ચંચળ ફળ જ મળે. એટલે કે માત્ર બાહ્ય સાધનોની જોગવાઈ મળે, પણ આંતરિક શાંતિ વિના કે આંતરિક શાંતિના લક્ષ્ય વિના બાહ્ય સાધનો શા ખપનાં? એટલે તપના કરનાર માટે સાત્ત્વિક તપ જ એકમાત્ર ઉચિત છે.
અહો અર્જુન ! દાન વિષે પણ મારો એ જ મત છે. દાન કરવું એ તો કર્તવ્ય જ છે. કયો માણસ પોતાના બાળકના ભરણ-પોષણનો ગર્વ કરે છે ? અને જગતને કહેવા જાય છે કે મેં મારા બાળબચ્ચાનું ભરણપોષણ કર્યું? તેમ જગવત્સલ પ્રેમી સાધક દેશ, કાળ તથા સુપાત્ર જોઈને જે કંઈ આપશે, તે કર્તવ્ય ધારીને જ આપશે. એવો દાતા, નમ્ર અને શોધક હોઈને તનમનથી તેવાં સુપાત્રો શોધી કાઢશે પણ ખરો જ, કારણ કે પરિગ્રહના પાપથી છૂટવું એ જ એમને પ્રિયતમ હશે ! બાકી મધ્યમ કોટિના દાતાઓને તો કોચવાતા મને પણ સમાજમાં સ્થાન જાળવવા ખાતર અગર કંઈક બદલાની આશા રાખીને આપવું પડે છે. આવા ફલ સામે દષ્ટિ રાખવાવાળાઓ દેશકાળ પાત્રનો ખરો વિવેક કરી જ કેમ શકે? આવા દાનના