________________
પપ૮
ગીતા દર્શન
પણ ઉપલાં સુપાત્ર સ્થળનો આભાર માનવો જોઈએ. કારણ કે એના સંગ્રહમાંથી એટલા સાધનનો સદુપયોગ થયો ! આવી દષ્ટિએ દાન યાચકને શોધે. પણ આદર્શ યાચક દાતારને ન શોધે. આવું યાચકપણું નિઃસ્પૃહી જગકલ્યાણકર સાધુસેવકને જ વરે છે. તેથી જૈનસૂત્ર કહે છે કે કશી આશાવિનાનો દાતાર પણ દુર્લભ છે, અને નિરપેક્ષી ભિક્ષુક પણ વિરલ જ છે. (દશ. પાંચમું અધ્યયન.)
રાજસી દાન મધ્યમ કોટિનું છે. ત્યાં પ્રત્યુપકારના બે અર્થ કર્યા છેઃ (૧) બદલો વાળવા સારુ, (૨) બદલો લેવાની આશા રાખીને. આનો અર્થ બદલો ન વાળવો એમ કોઈ ન લે, પરંતુ બદલો વાળવો તે કંઈ દાનમાં ન ગણાય, બીજા રાજસી દાન પાછળ પૃહા અને દંભ તથા અભિમાન વધવાનો સંભવ છે. આજના દાતાઓ અને એવી દાન લેનાર વ્યકિતઓ તથા સંસ્થાઓ એથી ચેતે ! કારણ કે એમાં સિદ્ધાંત અને સત્યધર્મનો લોપ થવાનો મહાભય રહેલો છે. ગુરુદેવે અહીં મૃત પ્રયોગ વાપરેલો છે. તે એમ સૂચવે છે કે સ્મૃતિશાસ્ત્રથી પણ આ વાત પ્રસિદ્ધ છે કે, આદર્શ ગૃહસ્થ રાજસી દાન ન દેતાં, સાત્ત્વિક તરફ લક્ષ્ય આપવું.
તામસી દાન, એ તો માત્ર નામનું જ દાન છે. ગુલામી પ્રથામાં આવા તામસી દાતાઓ કારણરૂપ હતા. હવે તો લગભગ દુનિયામાંથી એ માનવી બિરાદરોનું હડહડતું અપમાન કરનારી બૂરી પ્રથાનો લોપ થયો એમ જ ગણાય છે. છેટેથી છમ્ છમ્ કહી ધિક્કારે પૈસા કે અન્ન ફેંકતા અને લેતા, આજના વધેલા કહેવાતા દાતાઓ અને નામભિક્ષુકો પોતાનું અને જગતનું હિત તો નથી જ કરતા. અહિત કેટલું કરે છે? તે તેઓ ઊંડા ઊતરીને વિચારે ત્યારે આપોઆપ જણાશે. ભીખી ચરી ખાવાનો ધંધો કરવામાં બધાં દૂષણો ફૂલેફાલે છે. આવા બેકારો દુનિયાને બોજારૂપ છે. એમને મદદ કરનારા પણ જવાબદાર નથી એમ કેમ કહી શકાય?
ભાંડભવૈયાઓ અને ધિક્કારથી દેવાયેલું દાન લેતી વ્યકિતઓ કે સંસ્થાઓ મૂળે શુદ્ધ જ હતી, પણ આજે સદાચારપ્રીતિના તંગ ઢીલા પડવાથી જ આવી બની ગઈ છે. ધર્મસંસ્કરણના પ્રેમીઓએ આ બધું ખ્યાલમાં લેવા જેવું છે. તામસી દાન દેનારાઓના અધ:પતનને તો તેઓ(દાન લેનારાઓ જાતે જ અટકાવી શકે. કારણ કે ક્રોધ, અજ્ઞાન, વિકાર આદિ દોષોનો પુંજ એની આસપાસ ગોઠવાય છે.ત્યારે તેઓ એ દોષોનાં સોગઠાં બની જાય છે.
હવે શ્રીકૃષ્ણગુરુએ અગાઉ શાસ્ત્રવિધિ અને મંત્રમહિમા કહેલો તે શાથી? એ વિષે ખુલાસો કરે છે: