________________
અધ્યાય સોળમો
૫૩૭
સાત્ત્વિક ગુણ સર્વોત્તમ છે. છતાંય તે સાત્ત્વિક ગુણમાંથી જન્મેલું વર્તન આત્મસાધક થાય અને ન પણ થાય ! કારણ કે સત્ત્વગુણથી પેદા થયેલા વર્તનમાં આસકિતનો કાંટો હોય છે. એટલે તે દેવલોકમાં ભલે લઈ જાય, પરંતુ કોઈ વિરલને જ આત્મપ્રાપ્તિના સાધનરૂપ થઈ શકે છે. જ્યારે આ અધ્યાય માંહેલો ઘર્મ તો ધનપ્રાપ્તિ,બુદ્ધિપ્રાપ્તિ, કે અધિકારપ્રાપ્તિ કરાવે કે ન કરાવે તોય આત્મપ્રાપ્તિ તો જરૂર કરાવે જ છે.
સત્ત્વગુણ એ પુણ્ય છે. જ્ઞાન અગર અહીં વર્ણવેલ દૈવી સંપત્તિનું લક્ષણ એ ધર્મ છે. પુણ્ય છેવટે નાશવંત છે.
ભલે સોનાની હોય તોય એ આત્મા માટે બેડીરૂપ છે. જૈનસૂત્રોની પરિભાષામાં કહીએ તો તે શુભ આસ્રવરૂપ છે. જ્યારે ધર્મદર્શન એ સંવરરૂપ અને ધર્મપ્રાપ્તિ એ નિર્જરારૂપ છે. અને સંવર તેમ જ નિર્જરા બને મોક્ષરૂપ કાર્યનાં પ્રથમ અને અંતિમ કારણરૂપ છે.
રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ ઈચ્છવા યોગ્ય નથી, એમ આપણે ચૌદમા અધ્યાયમાં કહી ગયા છીએ. પરંતુ તેમ છતાં અધર્મ અથવા આસુરી વૃત્તિ કરતાં તો તે ઉત્તમ જ છે. કારણ કે રજોગુણ-તમોગુણ એ અશુભ છતાં આસ્રવરૂપ જ છે, એટલે બંધ કરે તોય તે આત્માનો નાશ નથી કરી શકતા. જ્યારે અધર્મ અથવા આસુરી સંપત્તિ તો સીધો આત્મનાશ જ કરે છે. આ ચૌદમા અધ્યાય કરતાં આ અધ્યાય નિરાળો પડે છે. અને એ સારુ એનું મહત્ત્વ છે.
પુણ્ય અથવા પુણ્યના પરિણામરૂપે મળેલાં સુંદર બુદ્ધિ, સુંદર શરીર અને સુંદર સામાજિક વાતાવરણ જો દૈવી સંપત્તિ અથવા ધર્મનાં સાધન ન બને, જ્ઞાનમાં પ્રેરક ન બને, તો એ નકામાં છે. એટલે પહેલી ધર્મની જાળવણી અને પછી ધર્મસાધનની જાળવણી હોવી જોઈએ.
દેવલોકનાં વર્ણનમાં બાહ્ય સુખસામગ્રી વર્ણવાઈ છે, પરંતુ સર્વે દેવોમાં આંતરિક દિવ્ય સંપત્તિ નથી હોઈ શકતી. એ આંતરિક દિવ્ય સંપત્તિ તો માનવમાનસને જ સુલભ છે. તેથી દેવો પણ આ અધ્યાયમાં બતાવેલી દિવ્ય સંપત્તિ મેળવવા સારુ એવા દૈવી સંપત્તિમાનને ચરણે ઢળે છે, અને તેવી દશા પામવા તલસે છે. એ જ માનવજીવનની મહત્તા છે. માનવજીવનમાં મોક્ષનું કારણ પણ તે જ છે.