________________
૫૩૮
ગીતા દર્શન
આવી દૈવી સંપત્તિ અર્જુનને હવે મળી ચૂકી હતી, એમ ખાતરી આપતા શ્રીકૃષ્ણગુરુએ આ અધ્યાયમાં નીચે પ્રમાણે કહેલું છે:
"મારા વહાલા અર્જુન! તું શા સારુ શોક કરે છે? તારે માટે હવે કશું શોચનીય રહ્યું જ નથી. કારણ કે તું મોક્ષ દેનારી દૈવી સંપત્તિ પામી ચૂક્યો છે. અભય એ દૈવી સંપત્તિમાનનું મુખ્ય લક્ષણ છે. જેને પ્રભુનો ડર હોય તે જ અભય બની શકે છે. અભયની સાથે તારામાં અતઃકરણની શુદ્ધિ પણ છે જ. એટલે જ તને ભકિતમય કર્મયોગનો માર્ગ હું બતાવી રહ્યો છું.
કૌતેય ! અભય, અંતરંગ વિશુદ્ધિ, સત્ય, વિવેક, ઈન્દ્રિયસંયમ, વાસનાનિરોધ, ક્ષમા, અલાલસા, કૃતજ્ઞતા, કોમળતા, ઉદારતા, સરળતા, જીવદયા એ બધાં દૈવી સંપત્તિમાનનાં ચુનંદાં લક્ષણો છે. તેમાં પણ કઈ વસ્તુ તજવા યોગ્ય છે, કઈ જાણવા યોગ્ય છે, અને કઈ આદરવા-ગ્રહણ કરવા યોગ્ય છે, એટલો ય વિવેક કરી શકે તેવી બુદ્ધિ થાય, એટલે કયાં અને કયે વખતે પ્રવૃત્તિ યોગ્ય છે, કયાં અને ક્ય વખતે નિવૃત્તિ યોગ્ય છે; એ આપોઆપ પારખી શકાય છે. આને હું જ્ઞાનયોગ વ્યવસ્થિતિ અથવા કાર્યાકાર્યર વ્યવસ્થિતિ કહું છું. આ સગુણ મારે મન ભારે મહત્ત્વનો છે. આની સાથે સાથે જીવનમાં પવિત્રતા, વ્યવહારમાં સદાચાર અને દષ્ટિ તેમજ માન્યતામાં (અથવા બીજા શબ્દોમાં કહું તો ધારણ તેમજ ધ્યેયમાં) સત્ય - આટલું હોય એટલે બસ, બેડો પાર !
આસુરી સંપત્તિવાળામાં એના કરતાં સાવ ઊલટું જ હોય છે, તેથી તેઓ નિરંતર આસુરી યોનિના અધિકારી બની સંસારમાં સબળ્યા કરે છે. એમની દશા કરતાં બીજી કોઈ પણ વિશેષ અધમ દશા આ સંસારમાં છે જ નહિ. માટે જ દૈવી વર્ગ અને આસુરી વર્ગ એટલે કે મોક્ષનો ઈચ્છુક વર્ગ અને સંસારનો કામી વર્ગ એમ બે વર્ગ પડી જાય છે.
પ્રિય પરંતપ ! આસુરી લોકોના સંગથી અવશ્ય તું ચેતતો રહેજે. છતાં એમના પરત્વે ધૃણા કે તિરસ્કાર ન કરજે. કારણ કે એ બિચારા કામ, ક્રોધ તથા લોભ કે જે નરકના જ બારણાંરૂપ છે – અને તેમાંય મુખ્યત્વે લોભ - તે ત્રણ અંધકારથી ઘેરાઈ ગયેલા હોય છે ! અને તેથી આત્માને તો તે ઓળખી શકતા જ નથી.
૧. જૈન સુત્રોમાં આને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનાનું અથવા પરિક્ષ તરીકે ઓળખાવેલ છે. ૨. હૈય, શેય અને ઉપાદેયની ત્રિપુટી જૈનસૂત્રોમાં કહેવાય છે તે. ૩. અાવાદદ્રષ્ટિ કે અપેક્ષાવાદની મહત્તા જૈનસૂત્રોમાં છે તે.