________________
અધ્યાય સોળમો
૫૨૭
અને કર્મજન્મ સંસાર અનુભવી શકાય તો છે જ. એટલે સત્ય, અહિંસા, ત્યાગ, સંયમ, તપ આદિની જરૂર છે જ.
વેદાંત જગતને અસત્ય માને છે અને નાસ્તિકો પણ જગતને અસત્ય માને છે. પરંતુ તે બે વચ્ચે મહાન અંતર છે, તે ભૂલી ન જવું જોઈએ. આત્મદર્શન પામ્યા પછી જગત આજે જે સ્વરૂપે દેખાય છે તે કરતાં જુદું જ ભાસે છે. તે દૃષ્ટિએ વેદાંત જગતને અસત કહે છે અને વૈરાગ્ય પ્રેરે છે. જ્યારે આ નાસ્તિક માન્યતાવાળાઓ તો ભોગને સાચા ગણે છે અને આત્માને જ ખોટો ગણે છે. એટલે આ સાવ ઊલટી જ બાજુ છે. આથી જ અજ્ઞાનીઓ આત્મનાશ નોતરે છે અને વિશ્વશાંતિમાં મહાખલેલ કરનારી મહાજુલ્મી પ્રવૃત્તિઓ આદરે છે. જો કે અંતે તો તેમાં તેઓ હારે જ છે. પરંતુ જગતના પરમસત્ય અને અહિંસાપ્રેમી પુરુષોને એવા લોકોને નિમિત્તે ખૂબ તવાવું પડે છે.
હવે આ બધાનું મૂળ કારણ અને તેમની દશા વર્ણવતાં ગીતાકાર શ્રીકૃષ્ણમુખે ગીતામાં બોલે છે:
काममाश्रित्य दुष्पूरं दंभमानमदान्विताः । मोहाद् गृहीत्वासद्ग्राहान् प्रवर्तन्तेऽशुचिव्रताः ॥१०॥ દંભ-માન-મદે યુકત, સેવી દુપૂર કામને;
દુરાગ્રહો ગ્રહી મોહે, પાપાચારે પ્રવર્તતા. ૧૦ (પ્રિય કૌતેય ! તેઓ તૃપ્ત થવો અશકય એવા કામનો આશ્રય લઈને દંભ, માન અને મદથી યુક્ત (એવા આસુરી લોક) મોહ થકી અસત્યાગ્રહોની પકડ કરીને મલિન વ્રતો (પાપાચાર)માં પ્રવર્તે છે.
નોંધ : કામ એ સર્વ દોષો અને સર્વ મહા દોષોનું મૂળ છે, એ વાત શ્રીકૃષ્ણગુરુએ પૂર્વે પણ કહી છે. વળી તે કદી પુરાય તેમ નથી. ભડભડતી આગમાં ઘી હોમે તે આગ ન શમતાં ઊલટી વધુ જોર પકડે. તેમ આસક્તિમય બની કામને સેવવાથી કામ શાન્ત થવાને બદલે ઊલટો જોર પકડે છે. આથી એવા સાધકમાં ડોળ વધી જાય છે. બીજું જગતમાં માન મેળવવાની લાલસા અને મદનો કેફ ચડેછે, એટલે એમનામાં જે નિશ્ચયો દેખાય છે તે માત્ર જૂઠની પકડરૂપ જ હોય છે અને એ જૂઠની પકડની પાછળ મોહ ભરેલો હોય છે. તેથી એમની પ્રવૃત્તિ મેલી હોય છે. તેઓ વ્રતનિયમ કરે તો પણ એના મૂળમાં અપવિત્રતા હોઈને તે વ્રતો પણ એમને વિષે તો મલિન બને છે.