________________
૫૧૬
ગીતા દર્શન
ૐ તત્ સત્' એ પ્રમાણે શ્રીભગવાને ગાયેલી ઉપનિષદો પૈકી બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્રના સમન્વયવાળા શ્રીકૃષ્ણ અને અર્જુનના આ સંવાદમાં પુરુષોત્તમ યોગ નામનો પંદરમો અધ્યાય પૂરો થયો.
પંદરમા અધ્યાયનો ઉપસંહાર “અહો નિર્મળા અર્જુન ! તને મેં શ્રુતિઓ અને વેદચર્ચાથી અલગ રાખવા અને ભકિતતત્ત્વ તરફ પ્રેરવા અત્યારલગી પ્રયત્ન કર્યો છે. જો કે મેં વારંવાર કહ્યું છે કે મારી ભકિતની ભૂમિકા સમત્વયોગ અને કર્મકૌશલ ઉપર જ રચાયેલી છે એમ તો તું જાણે જ છે. છતાં અહીં શ્રુતિઓ અને ઉપનિષદોમાં આવતા કેટલાક શબ્દોનો મારા અગાઉના નિરૂપણ સાથે સમન્વય કરી તને એક વધુ સરસ શાસ્ત્રરહસ્ય સમજાવું છું.
ભારે હેતભર્યા ઉમળકાથી અર્જુનને આલિંગી એના મસ્તક પર વરદ હસ્ત મૂકી શ્રીકૃષ્ણગુરુ બોલ્યા : "શાસ્ત્રોમાં અશ્વત્થ” રૂપે સંસારનું નામ છે.
વડ અથવા પીપળાને જેમ અશ્વત્થ કહેવામાં આવે છે, તેમ નાશવંત એવો પણ અશ્વત્થનો અર્થ થાય છે. છતાં કલ્પના કર કે એક સંસારરૂપી વિશાળ વડવૃક્ષ છે. પણ સામાન્ય રીતે વડવૃક્ષ કરતાં તે ઊલટું જ છે. એટલે કે વૃક્ષને તો ઊંચે ડાળો અને નીચે મૂળ હોવું જોઈએ, તેને બદલે આને તો ઊંચે મૂળ છે અને નીચે શાખાઓ છે. વેદ એનાં પાંદડાંરૂપ છે. મતલબ કે મહબ્રહ્મરૂપી મૂળ, કે જે ઉન્નત ભૂમિકાવાળું છે ત્યાંથી આ સંસારનો સંભવ થયો છે, અને એની શાખાઓ નીચે વિસ્તરેલી છે. એમાંથી જ વેદો જમ્યા છે. બ્રહ્મ પહેલું છે, પછી વેદ છે. વેદવાદીઓ મોટી વાચાળતા ધરાવે તેથી તે વેદજ્ઞાની નથી થઈ જતા, પણ આ રહસ્ય જાણે તે વેદજ્ઞાતા છે. જેમ વૃક્ષનું મૂળ હાથ આવતાં પાંદડાં તો સહેજે હાથમાં આવી જ જાય છે, તેમ આ વૃક્ષનું રહસ્ય હાથલાધતાં વેદરૂપી પાંદડાં તો સહેજે હાથમાં આવી જ જાય છે. એટલે મેં તને વેદ શ્રુતિઓમાં તારી બુદ્ધિને ન ગુંચવતાં આવા રહસ્યજ્ઞાન તરફ વાળ્યો છે.