________________
અધ્યાય ચૌદમો
પ૦૩
ત્રણ ગુણ પૈકી સત્ત્વગુણ સારો છે, તે માર્ગે જવું, સત્ત્વગુણની પ્રતીતિ એ, કે તે સુખ આપે અને પ્રકાશમય જ્ઞાન તરફ પ્રેરે. પવિત્રતા સત્ત્વગુણીને ગમે, તે તેવી સ્થિતિમાં મરે તોપણ જ્ઞાનમય વાતાવરણમાં જન્મે અગર દિવ્યલોકમાં જઈ ફરીને પવિત્ર મનુષ્યતા પામે.
મતલબ કે સત્ત્વગુણ તે ઊંચે જ લઈ જાય છે. રજોગુણવાળાને પ્રવૃત્તિ પ્રિય લાગે છે, પરંતુ એના ગર્ભમાં લોભ અને તૃષ્ણા હોવાથી રાગમય અને સંસારવર્ધક એ પ્રવૃત્તિ બને છે. માટે તે મધ્યમ કોટીની છે. અને તમોગુણ તો અજ્ઞાનથી જન્મેલો અને પ્રમાદ, મોહ, આળસ આદિ વધારનાર હોઈ (જૈનસૂત્રોમાં મહાનિદ્રાઓ- દર્શનાવરણીય કર્મની કહી છે, એ તમોગુણમય છે.) એ ગુણ અધમગતિમાં જ લઈ જાય છે, માટે તે બન્નેને તજીને આગળ જવું, અને છેવટે તો ત્રિગુણાતીત જ થવું જોઈએ.”
અર્જુને પૂછયું, "ત્રિગુણાતીતને શી રીતે ઓળખવો? તેનાં આચરણ શાં? અને તેવી દશા પામવાના ઉપાય કયા ?"
ત્યારે શ્રીકૃષ્ણચંદ્રે કહ્યું, ગુણોના સ્વરૂપનું જ્ઞાન થાય પછી, કર્તાપણાનું અભિમાન ટળે છે. અને એ પ્રિયાપ્રિય, માનાપમાન, રાગ-દ્વેષ, મિત્ર-વૈરી આદિમાં સમ અને સ્વસ્થ રહે છે; માનસિક ક્ષેત્રમાં વિકારો કે આવેશ આવે કે તુરત શમાવી દે છે. તેમાં તે ભળતો નથી, એટલે ઈન્દ્રિયો અને છેવટે મન, બુદ્ધિ પણ શુદ્ધ થાય છે. એને કોઈ લાલચ કે રિદ્ધિસિદ્ધિઓ પણ ડગાવી શકતી નથી. સર્વ પાપવ્યાપારથી એ સહેજે છૂટો થઈ ગુણોના ધર્મ સમજીને ઉદાસીનની જેમ રહે છે. અર્થાત્ દેહે હોવા છતાં, દેહક્રિયા હોવા છતાં, લોકહિતકારક પ્રવૃત્તિમાં રત છતાં, સહજ પ્રયોગે વિહરતો રહે છે. દેહ છતાં દેહાતીતદશા વર્તે છે. એનું જ નામ તે ત્રિગુણાતીત.
મેં અગાઉ કહ્યું તેમ આવી સ્થિતિ આત્માની એકનિષ્ઠ ભક્તિથી જરૂર મળે છે. સનાતન ધર્મ, અમૃત, અવ્યય અને બ્રહ્મનો છેલ્લો છેડો આત્મા અથવા હું જ છું.
પ્રિય અર્જુન ! આ તને જે કહ્યું તે જ્ઞાન એવું સર્વોત્તમ છે, કે એ જ્ઞાનદ્વારા મુનિઓ અને ભકતો પરસિદ્ધિ અથવા આત્મતાદામ્યતા અવશ્ય પામ્યા છે.”