________________
અધ્યાય તેરમો
૪૮૧
શુદ્ધભાવ હણાય છે અને શુદ્ધભાવ હણાયો તે આત્મા જ હણાયો, એમ માનવું જોઈએ. આમ બીજાને હણવાથી પોતાનો આત્મા હણાય છે અને વિરોધભાવ વધવાથી વધના ભોગ બનનારમાં રહેલા પરમાત્માથી વધ કરનાર (હિંસક) વેગળો બની જાય છે. લૌકિક ભાષામાં કહીએ તો એમ કહેવાય કે સામાના પ્રાણ હણવાથી વધકે વધ્યની સંપત્તિ ચોરી લીધી, કે જે ચોરવાનો તેને હક નહોતો. અજાણતાં કે અશકય પરિહારે પણ સામાન્ય હિંસા થાય તે આવા આત્મદર્શી પુરુષને સાલે જ છે. તો પછી અભિમાનથી તો તે કશું અકાર્ય કરે જ કેમ?
છેવટે શ્રીકૃષ્ણગુરુદેવે ઓગણત્રીસમા શ્લોકથી સાંખ્યોની અને ત્રીસમાં શ્લોકથી તો વેદાંતીની પણ ઝડતી લીધી છે. તેઓને બધાના સિદ્ધાંતો માન્ય છે, માત્ર સિદ્ધાંતોનો સક્રિય અમલ જોઈએ.
સાંખ્ય પરિભાષા પ્રમાણે તેઓ કહે છે કે કર્મનો બધો ભાર જે પ્રકૃતિ સાથે નાખે છે, અને આત્માને અકર્તા જુએ છે, તે પણ આત્મદ્રષ્ટા જ છે. માત્ર એવા ખરા આત્મદ્રષ્ટાની કસોટી એટલી જ કે જો પ્રકૃતિ પ્રમાણે એ કાર્ય કરનાર હશે તો તેવાં કર્મજન્ય ફળ ભોગવતી વેળા અને હર્ષશોક કદી જ નહિ થાય, અને જો તેમ થાય તો માનવું કે કયાંક પણ અભિમાન પડ્યું છે. અભિમાનનું ઊંટ પેઠું કે પછી કર્મ કર્તા અને કર્મ ભોકતા થયે જ જીવને છૂટકો.
વેદાંતીને શ્રીકૃષ્ણગુરુદેવ કહે છે કે ભૂતોના જુદા જુદા ભાવની પાછળ પણ જો એક બ્રહ્મ જોશો તો તમે સહુની સાથે પોતીકી જાતની જેમ જ વર્તશો, એટલે એ પણ પથ્ય છે. પરંતુ શરત એટલી જ કે સ્થૂળ આંખે જોયા પહેલાં સૂક્ષ્મ આંખે જોજો. આજે તો પહેલાં સ્થૂળ આંખે જોવાય છે એટલે બીજા પ્રત્યે રાગ-દ્વેષ થાય છે. પણ યથાર્થ સૂક્ષ્મ આંખે જોવાય તો પોતારૂપ જ સહુ લાગે, ત્યાં રાગ-દ્વેષ કેમ ઊપજે?
હવે પર આત્મા અવિનાશી, અકર્તા અને અલિપ્ત શી રીતે ? અને હાથીનો આત્મા અને કીડીનો આત્મા મૂળે સરખો હોય તો એનો પ્રકાશ કેમ સરખો દેખાતો નથી ? અથવા હૃદયમાં કે ક્ષેત્રરૂપ શરીરના અમુક ભાગમાં રહ્યો થકો આખા ક્ષેત્રમાં આત્મા કેમ પ્રકાશી શકે છે ? તે બીનાનું સમાધાન કરી છેવટે તેઓ ઉપસંહાર કરે છે :
अनादित्वान्निर्गुणत्वात् परमात्मायमव्ययः । शरीरस्थोऽपि कौन्तेय न करोति न लिप्यते ||३१||