________________
અધ્યાય તેરમો
૪૭૭
કર્મનું ફળ ઈન્કારવાની ઈચ્છા સેવે છે, તે દૂર કરે. હવે તું સમજ્યો હોઈશ જ કે સાંખ્યો જે ઢબે વાત કરે છે, તે ઢબ અને મારી કહેવાની ઢબ જુદી છે. સાંખ્યો તો પુરુષને કૂટસ્થ-નિત્ય માને છે, જ્યારે હું તો એક સ્વરૂપને અવશ્ય નિત્ય માનું છું, પરંતુ એક સ્વરૂપને પરિણામી નિત્ય માનું છું. એટલે જ મેં અગાઉ તને કહેલું કે પરંપુરુષ તળે પરા અને અપરા બે પ્રકૃતિ કામ કરે છે. તે પરાપ્રકૃતિને અહીં હું પુરુષ કહું છું, અને અપરાને એ પ્રકૃતિ કહું છું કે જેમાંથી ગુણો અને આત્માની આસકિતથી વિકારો જન્મે છે. આવો વિકારી ક્ષેત્રમાં રહેલો આસકત આત્મા તે પરિણામી નિત્ય આત્મા છે. તે જન્મમરણ પણ કરે જ છે. શાથી – એમ તને શંકા થાય. તેનું સમાધાન કરું છું. સાંભળ) એ પ્રકૃતિસ્થ પુરુષ જ (એટલે કે પ્રકૃતિસંગી જીવ પ્રકૃતિમાં રહીને) પ્રકૃતિના ગુણોને ભોગવે છે. અને એ ગુણોનો સંગ જ સારીનરસી યોનિમાં એના જન્મનું કારણ બને છે.
(છતાં જે પસ્વરૂપ છે, તે તો આવી દશામાં પણ નિબંધ જ રહે છે. તે સ્વરૂપને શી રીતે ઓળખવામાં આવે છે, તે પણ તું સાંભળી લે, કે જેથી તને પણ એ જ્ઞાન ઉપયોગી થાય. ભારત !) આ દેહને વિષે (જને મેં અગાઉ ક્ષેત્ર તરીકે વર્ણવ્યું તેને વિષે) રહેલો તે પરમપુરુષ સાક્ષી, અનુમતિ દેનારો, ભર્તા, ભોકતા અને મહેશ્વર છે. તેને પરમાત્મા તરીકે પણ કહેવામાં આવે છે. (અજ્ઞાની જીવ એના અનુમતિદાતાપણું આદિ ગુણોનો દુરપયોગ કરી હાથે કરીને અધોગતિ વહોરે છે. જ્યારે જ્ઞાની પુરુષ અનુમતિદાતાપણું આદિ સદ્દગુણોનો સદુપયોગ કરી મોક્ષગતિ પામે છે. માટે જ કહું છું કે જે કહ્યું, તે રીતે જ યથાર્થ) એમ જે પુરુષને અને ગુણો સહિત પ્રકૃતિને પણ જે જાણે છે તે સર્વ રીતે વર્તતો છતાંય ફરીને જન્મતો નથી. (પરંતુ અર્જુન ! આ મારાં છેલ્લાં વાક્યોનો અર્થ અવળો ન કરીશ. એ વાકયો મેં સ્વચ્છેદે ફાવે તેમ વર્તવા માટે નથી કહ્યાં. પરંતુ અગાઉ મેં ઘણીવાર કહ્યું છે મને જ ભજવો. મારામાં જ ચિત્ત પરોવવું, અમુક પ્રકારની જ સાધના સાધવી, વગેરે” તે વાતોનો ઐકાંતિક અર્થ ન કાઢતાં ગમે તે સગુરુ કે અંતરમાં રહેલા પર શુદ્ધ સ્વરૂપની ગમે તે રીતે સાધના કરતો છતાં પણ સાધક અપુનર્જન્મ દશા પામે જ છે, એટલું જ મારું કહેવું છે. એ તો તારે ચોક્કસ સમજી લેવું જ કે જે જ્ઞાની છે તે કદી સ્વચ્છેદે કે ફાવે તેમ વર્તતો જ નથી. એનું વર્તન તો કંચન જેવું હોય છે, માત્ર એટલું જ કે સામાન્ય લોકો સત્ય અને જગતની વાહવાહરૂપી બે ત્રાજવામાં સત્ય કરતાં જગતની વાહવાહ તરફ વધુ ઢળે છે, જ્યારે જ્ઞાની પુરુષ જગતની વાહવાહની દરકાર ન કરતાં સત્યની તરફ જ ઢળે છે.)