________________
અધ્યાય તેરમો
૪૭૧
સમતોલપણું જળવાઈ રહે તેવી સ્થિતિ, ૧૫. આત્મામાં અગર પ્રભુમાં અનન્ય ધ્યાનપૂર્વકની એકનિષ્ઠ ભકિત, ૧૬. એકાંતવાસની રુચિ અને લોકસંઘમાં ભેળાવાની (વારંવા૨ની ઈચ્છા ઉપર અંકુશ એટલે કે) ચિ, ૧૭, અઘ્યાત્મજ્ઞાનની જ શ્રદ્ધા, અને ૧૮. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનું યથાર્થ દર્શન (અઢાર સદ્ગુણો) એ જ જ્ઞાન; બાકી એથી ઊલટું બીજું જે જે હોય તે બધું અજ્ઞાન.
નોધ : જૈનસૂત્રોમાં ટૂંકાણમાં સમકિતનાં જે બાહ્ય લક્ષણો કહ્યાં છે, તેમને જ વિસ્તારથી અહીં રજૂ કરવામાં આવ્યાં છે. આ લક્ષણો હૃદયથી હીરાથી મઢીને સાધકે જીવનમાં પરોવવા જેવાં છે.
જે જ્ઞાનનું ફળ જીવનના વ્યવહારમાં ન દેખાય, તે જ્ઞાન પોલું અગર કાચું છે. જૈનસૂત્રો કહે છે કે જ્ઞાનનું ફળ ચારિત્ર છે, તેમ ગીતાકાર પણ એ જ કહે છે.
અમાનિતા અને અનહંકારિતા એ બે સદ્ગુણ જુદાજુદા છે. પોતાની વડાઈ કે વખાણ જેને ગમતાં નથી તે અમાની છે, અને પોતે જાતે અહંકાર કે મદને વશ થતો નથી તે અનહંકારી છે. ગીતાકાર લોકકલ્યાણ અને લોકસંગ્રહના હિમાયતી છે, પરંતુ લોકસંગમાં વારંવાર ભેળાવાની ઈચ્છા ઉ૫૨ તેઓ અંકુશ મૂકવો જ પસંદ કરે છે, કારણ કે એવી ઈચ્છાને વેગ આપવાથી અમૃતમય પ્રેમમાં રોગ કે મોહરૂપી ઝેરને ભળવાનો સંભવ રહે છે અને શકિતનો વ્યય પણ નકામો થાય જ છે અને પોતે સહુમાં કેમ સારો દેખાય એવો પ્રત્યન કરવા પાછળ પણ મંડાવાનો ભય છે. આથી કામ પૂરતો સંબંધ રાખીને વિશેષે એકાંતવાસ પસંદ કરવો ઘટે જેથી પ્રતિપળે પોતાના દોષોનું નિરીક્ષણ કરી શકાય અને તત્ત્વચિંતનમાં લીન બની શકાય.
સમભાવની તાલીમ માટે ક્ષમા, ઘરબાર, સગાંસંબંધી પરથી મોહમમતાનો ત્યાગ, સગાંવહાલાંના મોહસંબંધોથી બાહ્ય રીતે પણ અસંગપણું, સત્સંગ, મનનો સંયમ, સરળતા, સ્થિરભાવ, પવિત્રતા, વૈરાગ્ય આદિ પણ મહત્ત્વનાં અંગો છે અને અહિંસા તો સર્વથી મહત્ત્વનું અંગ જ છે. આ બધી ગુરુદેવની વાત સાધકે ઘટમાં ઉતારવી ઘટે છે. શાસ્ત્ર મોઢે કર્યા હોય કે ન કર્યા હોય, પણ આવાં લક્ષણો પૈકીનાં જ્યાં દેખાય ત્યાં જ્ઞાન છે, એમ જ સમજવું. શાસ્ત્રો પણ આવા સદ્ગુણોને માર્ગે લઈ જવા સારુ ભોમિયારૂપ બને તો જ ઉપયોગી છે. નહિ તો માત્ર બોજારૂપ જ થઈ પડે છે, ઊલટો અનર્થ જ જગાડે છે, એટલે અહીં તેવાની ગણના અજ્ઞાનમાં જ કરી તે યથાર્થ છે.