________________
અધ્યાય તેરમો
૪૯
ધૃતિમાંથી આપણે તારવી શકીશું. સંઘાતને અધર્માસ્તિકાયને સ્થાને મૂકીશું અને વૃતિને ધર્માસ્તિકાયને સ્થાને મૂકીશું.
જૈનસૂત્રો અને વૈદિક ગ્રંથની પ્રણાલીનો એક જે મહત્ત્વનો ફેર તત્ત્વજ્ઞાનીઓ માને છે તે આકાશને મહાભૂત તરીકે વૈદિક ગ્રંથો લખે છે, અને પ્રકૃતિજન્ય માને છે. ત્યારે જૈનસૂત્રો અને સ્વતંત્ર પદાર્થ માને છે. પરંતુ અહીં ગીતા સાથે એનો સમન્વય થઈ શકે તેમ છે. જેમ ગીતાએ સવિકાર ક્ષેત્રમાં ચેતના, પ્રકૃતિ, આકાશ, સંઘાત, ધૃતિ ગણાવ્યાં, તેમ જૈનસૂત્રો પણ લોકમાં જીવાસ્તિકાય, પગલાસ્તિકાય, આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને માને છે; તેમજ લોકાગ્રે માત્ર સિદ્ધ આત્માની સ્થિતિ માને છે, બીજા કશાની નહિ. અને ત્યારબાદ જે અલોક છે ત્યાં પણ આકાશ તો છે જ, એમ માને છે.
સવિકાર ક્ષેત્રનાં લક્ષણો વર્ણવ્યા પછી ક્ષેત્રજ્ઞ ક્ષેત્રમાં કેમ પુરાયો એ પ્રશ્ન પાછો ઊઠે છે. પરંતુ તે પ્રશ્ન થાય તે પહેલાં પુરાયો છે એ પ્રત્યક્ષ છે, માટે એને છોડવા સારુ જે ચીજ ઉપયોગી છે, એ જ શ્રીકૃષ્ણગુરુ અહીં બતાવે છે. જેમ વેદાંત કેવલાદ્વૈતના અનિર્વચનીય ખ્યાતિના સિદ્ધાંતની પૂર્તિમાં શ્રી રામાનુજાચાર્યે સખ્યાતિનો સિદ્ધાંત ધરી દીધો, સાંખના કૂટસ્થ અને એકાંતે અચલ આત્માના સ્વીકાર સામે જીવ કર્તાભોકતા છે એમ યોગદર્શને વિરોધાત્મક સૂત્રો ઉચ્ચારીને પણ વસ્તુતાએ પૂર્તિ જ કરી, તેમ શ્રીકૃષ્ણગુરુ સરસ પૂર્તિ કરે છે.
ક્ષેત્ર છે, એમાં શો સંદેહ છે? નહિ જ. કારણ કે પ્રત્યક્ષ છે. તો પછી એની સાથે પ્રકૃતિના વિકારો છે તેમાં પણ શો સંદેહ છે? નહિ જ. કારણ કે એ પણ અનુભવાય છે. વિકારો અને ગુણો પ્રકૃતિજન્ય છે, પણ પુરુષ ભોગવે છે તેનું કારણ એની ગુણો સાથે આસક્તિ છે. આ વાત તો અગાઉ બીજા રૂપે આવી ગઈ છે અને હવે પછી ત્રીજા રૂપ આવશે. પરંતુ મુખ્ય સવાલ તો જે જ્ઞાનથી એ બંનેના ભેદનું વ્યર્થ જ્ઞાન થઈ મુકિત કેમ મળે તે છે. અને તે માત્ર, શાબ્દિક જ્ઞાનથી કે ચિંતનીય જ્ઞાનથી જ ન મળે. જો કે એવું જ્ઞાન પણ તદ્દન નિરર્થક તો નથી જ. છતાં હવે તો શ્રીકૃષ્ણચંદ્ર એવું સક્રિય જ્ઞાનસ્વરૂ૫ વર્ણવે છે કે સાધક એને જીવનમાં મૂકીને સ્વયં શુદ્ધ ક્ષેત્રજ્ઞ બની રહે.
अमानित्वमदम्भित्वमहिंसा क्षान्तिरार्जवम् । आचार्योपासन शौचं स्थैर्यमात्मविनिग्रहः ।।७।।