________________
ગીતા દર્શન
અધ્યાય ૧૨ મો
ઉપોદઘાત અર્જુન ઉપરથી વીર, કરુણ, રૌદ્ર, બિભત્સ, અદ્ભુત, હાસ્ય, ભયાનક એમ અનેક રસોના સ્થાયી અને સંચારી ભાવો પસાર થઈ ચૂકયા હતા. હવે એને ખરા શાંતરસની પ્રાપ્તિ થાય તેવી શાંત અને વૈરાગ્યભીની વૃત્તિ પ્રાપ્ત થઈ હતી.
મારે ખાતર કર્મ કરતા, હું જ જેનું સ્વરૂપ છું એવો સંગમુકત, મોહસંબંધવિરકત, સર્વ ભૂતોનો અવૈરી, પ્રાણીમાત્રનો મિત્ર તે મને મળે છે – એવું શ્રીકૃષ્ણગુરુનું કથન સાંભળ્યું ત્યારે અર્જુનને મંથન થવા માંડ્યું.
અર્જુનને ઘડીભરમાં એમ લાગ્યું કે ખરે જ જો અક્ષરબ્રહ્મરૂપ એ શ્રીકૃષ્ણનું પરંસ્વરૂપ છે, તે અવિનાશી છે અને અવ્યકત છે, તો એની જ ઉપાસના કરવી સારી છે.
વળી એમ લાગવા માંડયું કે ભલે મારી સામે હાલ જે શ્રીકૃષ્ણ છે, તે તો દેહધારી છે. ઉપરથી તે માનુષી છે, છતાં એની પાછળ પ્રભુભાવ રહેલો છે. તો તે ભાવે જ ઉપાસના કરવી શું ખોટી છે?
આ મંથનના નિર્ણયમાં એવું મન જ્યારે બીજી બાજુ ઝોક લેવા માંડયું ત્યારે શ્રદ્ધાભાવે વિનમ્ર થઈને ગુરુદેવને ચરણે ઢળી જઈને અર્જુન જે કહેવા લાગ્યો, ત્યાંથી આ અધ્યાયની શરૂઆત છે.
શ્રીકૃષ્ણગુરુ તો એને એવું માર્ગદર્શન કરાવશે કે જેમાંથી બધી કોટિના સાધકો એ માર્ગે ચાલી અંતિમ પ્રાપ્તવ્ય પામી શકે. ખરેખર, આ અધ્યાય ભાગવતધર્મ માટે જ નહિ, પણ સકળ હૃદયધર્મના મહિનામાં માનનાર ભક્તમાત્ર માટે અમૃત સમાન છે. જાણે એનું પાન કર્યા જ કરીએ !....