________________
૪૧૮
ગીતા દર્શન
નોંધ : યોગ એ ધર્મનું પરિણામ છે. અને વિભૂતિ એ પુણ્યનું પરિણામ છે. ધર્મ આત્મા સાથે સીધો સંબંધ ધરાવે છે. જ્યારે વિભૂતિનો સંબંધ સીધો આત્મા સાથે નથી. એનો સીધો સંબંધ જૈનદષ્ટિએ કહીએ તો પુદગલનાં ઘટ્ટ પરમાણુઓ સૂક્ષ્મ બને છે, ત્યારે તે વિસ્તાર ધારણ કરે છે. જેમ લપેટી લીધેલો કાગળ થોડી જ જગા રોકે છે પણ તે જ વિસ્તારાય ત્યારે મોટી જગા રોકે છે, તેમ જ જગત વિસ્તરેલું છે. જેવું એ બહાર છે, તેવું પ્રત્યેક દેહધારી જીવમાં પણ છે. કારણ કે બહાર જે દેખાય છે તે માત્ર એનો વિસ્તારભર્યો પડછાયો છે. પણ જ્ઞાની સિવાય આ અનુભવ સાક્ષાત્ થતો નથી.
અર્જુન શિષ્ય હવે એટલી ભૂમિકા લગી તો પહોંચી ગયો હતો. કારણ કે જૈનસૂત્રો કહે છે કે "જે જીવવિજ્ઞાન જાણે છે તે અજીવ-વિજ્ઞાન પણ જાણે છે, અને બન્ને વિજ્ઞાન જાણ્યાં એ ક્રમે ક્રમે બધું જાણીને આખરે પરંપદ પામે છે.”
પ્રથમ આધ્યાત્મિક જ્ઞાન ને પછી જીવવિજ્ઞાન અને ત્યાર પછી જ જગતવિજ્ઞાન, એ બધું ક્રમે ક્રમે જેણે વેડ્યું, તેનો મોહ ટળે તે સ્વાભાવિક જ હતું. હવે અર્જુનને શ્રીકૃષ્ણગુરુ જે ખરો સિદ્ધાંત કહેતા હતા તે ઠીક રીતે સમજાયો. અત્યારલગી યુદ્ધનો હેતુ જય, ભોગ, અધિકાર આદિ એ માનતો હતો, પણ હવે એને સમજાયું કે જય, ભોગ કે અધિકાર એ મારે સારુ મુખ્ય હેતુ નથી. કારણ કે જય, ભોગ કે અધિકારનો આત્મા સાથે સીધો સંબંધ નથી. એ તો માત્ર દિવ્ય વિભૂતિનો એક નાનકડો ટુકડો છે. મુખ્ય હેતુ તો આત્માની નબળાઈને લગારે ન પોષતાં વીરતાપૂર્વક વૃત્તિ સાથે ઝઝૂમવું એ છે, અને મારે માટે આ યુદ્ધમાં ન યોજાવા પાછળ તો આત્માની નબળાઈ જ પડી છે, એટલે તે દૂર કરવી જોઈએ.
આટલું જાણ્યા પછી અર્જુનમાં એવી અનહદ નમ્રતા અને અખૂટ જિજ્ઞાસા આવે છે, કે તે યોગદ્વારા બધું એકમાં જ કેન્દ્રિત એવું વિશ્વરૂપદર્શન જોવા માગે છે. હવે શ્રીકૃષ્ણગુરુ શું કહે છે તે જોઈએ:
श्रीकृष्ण उवाच पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः । नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च || ५|| पश्यादित्यान् वसून् रुद्रानश्विनौ मरुतस्तथा । बहून्यद्दष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ||६||