________________
રાત્રે જાહેરસભામાં મહારાજશ્રીએ જણાવ્યું કે આપણાં દેશની અંદર ગામડાં ભક્તિપ્રધાન હોય છે. સમજણ બહુ હોય કે ન હોય પણ ભક્તિ હોય છે. ગામડાંનો આધાર વરસાદ ઉપર હોય છે. ગામડાંમાં રહેવા બદલ કુદરતે જે તક આપી છે એનો આભાર માનવો જોઈએ. ગામડાંને આપણે ગોકુળિયાં કહીએ છીએ પણ આજે ગોકુળિયાં રહ્યાં નથી. જગત ટૂંકું થઈ ગયું. આનું કારણ આપણે વિચારવું જોઈએ. રસ્તામાં વશોધરા ગામ આવ્યું. અમે સાંભળ્યું કે સ્થાનિક એક લગ્નમાં સો માણસ જાનમાં આવ્યાં હતાં. ત્રણ હજાર રૂપિયા પૈઠણના લીધા. બહેનોના પૈસા લેવાથી માણસ ભિખારી બની જાય છે. હવે બહેનોએ જાગવું જોઈએ. કહેવું કે અમારા પૈસા ન લેશો પણ એટલી જાગૃતિ નથી. ગોકુળની વાતો આવે છે. દહીં, દૂધની નદીઓ ચાલતી ગોપીઓની ગોળીઓ કૃષ્ણ ફોડતા એ શું બતાવે છે ? શહેરમાં દૂધ નહોતા જવા દેતા. પણ હવે એ ગાયો રહી નથી. ગોચર રહ્યાં નથી. ગાયોની ચાકરી કરીએ નહિ, પછી દૂધ ઓછું આવે. પાક પાકે નહિ, કા૨ણ કે ઓલાદ ઊતરી ગઈ. પછી કહીએ કે કળજુગ આવ્યો. કળજુગ આપણાં અંતરમાં આવ્યો છે. શહેરમાં દૂધ વેચીએ છીએ. ચા લાવીએ છીએ. છાશ પણ વેચીએ છીએ. ગોવિંદ-ગોપાલનું નામ લઈએ છીએ પણ ભેંસપાલ અને ભેસવિન્દનું કામ કરીએ છીએ. તે છોડવું જોઈએ. તમારા બધાની લાગણી જોઈને આનંદ થાય છે.
તા. ૧૫-૫-૫૭ : શિયાવાડા
તા. ૧૪મીએ ચરલ એક દિવસ રહીને શિયાવાડા આવ્યા. અંતર સાડા સાત માઈલ હશે. ઉતારો ચોરામાં રાખ્યો હતો. ગામલોકો સ્વાગત માટે સામે આવ્યા હતા. અહીં બાબુભાઈ જશભાઈ, કૉંગ્રેસ સંગઠન સમિતિના સભ્યો મળવા આવ્યા. તેમાં બાબુભાઈ, મનુભાઈ પટેલ, ઉત્સવ પરીખ, કાંતિલાલ ઘિયા વગેરે અમદાવાદથી આવ્યા હતા. તેઓ ખાસ કરીને કૉંગ્રેસને સંગઠિત કરવા માટે શું પગલાં લેવાં જોઈએ તેની સલાહ માંગતા હતા. મહારાજશ્રીએ કહ્યું કે કૉંગ્રેસને મજબૂત બનાવવા માટે રચનાત્મક અને કૉંગ્રેસની બહા૨ના પરિબળોનો સહારો લેવો જોઈએ. ખાસ કરીને ગામડાંની પ્રજાને આત્મીયતા લાગે તે રીતના ગ્રામસંગઠનો રચાય તો જ કૉંગ્રેસ બિનખર્ચાળ દીપે. ચૂંટણી લડી શકશે. સારા માણસો આવી શકશે અને કૉંગ્રેસરાજ સ્થિર રીતે કામ કરી શકશે.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠ્ઠું
૬૩