________________
પૂ. રવિશંકર મહારાજ હતા પણ તેઓ ભૂદાનમાં પૂરો વખત આપતા હોવાથી રાજીનામું સ્વીકારવા સૂચવેલ. તેથી કુરેશીભાઈની વરણી થઈ.
ચોમાસા માટે આદરોડા અને ખાંભડાના આમંત્રણ હતાં. તેમાંથી આદરોડાની પસંદગી થઈ. અંબુભાઈએ ગોરાસુ શુદ્ધિપ્રયોગનો ખ્યાલ આપ્યો. ગૌશાળાના મકાન માટે, ફરતા દવાખાના માટે, સાણંદ દવાખાના માટે અને બાલમંદિર માટે નાણા ફંડ ઉઘરાવવા મુંબઈ જવું કે નહિ તે અંગે વિચારણા થઈ. મહારાજશ્રીએ જણાવ્યું કે, આપણી પાસે ફંડ છે એટલે લોકો પૂછવાના કે તમારી પાસે જે ધન છે તે તો વાપરો. ખૂટે ત્યારે માગવા આવજો . એટલે એમ વિચાર્યું કે જે ફંડ આવ્યું છે તેમાંથી ઉપલી પ્રવૃત્તિઓ માટે અમુક ટકા ફાળે આવે છે. તેનો ખુલાસો કરી બાકી ખૂટતી રકમની માગણી કરવી. જોકે છોટુભાઈની તબિયત સારી થશે તો જ ફંડ માટે મુંબઈ જવાનો સવાલ છે.
બળદેવભાઈએ શિસ્તભંગ કર્યો હોવાથી કારોબારીએ એમને રાજીનામું આપવા સૂચવ્યું પણ તેઓ રૂબરૂ આવ્યા નહિ. બે-ત્રણ વખત બોલાવવા માણસને મોકલ્યા પણ આવ્યા નહિ એટલે કારોબારીએ રાજીનામું માંગતો ઠરાવ કર્યો છે. એ ના આપે તો પછી શું કરવું તેનો વિચાર થશે. અહીં મુખ્ય કાર્યકર્તા ડૉ. શાંતિભાઈ છે. તેમને ખેડૂત મંડળની વાત ગળે ઊતરતી નથી. તેઓ કોંગ્રેસને જ મુખ્ય માને છે એટલે બળદેવભાઈને સલાહ આપી કે તમારે જે કહેવાનું હતું તે કહી દીધું. હવે કારોબારી પાસે જવાની જરૂર નથી.
બળદેવભાઈ કારોબારીએ રૂબરૂ બોલાવ્યા છતાં ના આવ્યા. એથી મહારાજશ્રીને ઘણું દુઃખ થયું. સંસ્થાની પ્રતિષ્ઠા સાચવવી જોઈએ. જે કહેવું હોય તે ભલે કહી શકાય. આ દુઃખની વાત રાત્રે શાંતિભાઈ અને ચંદુભાઈ રૂબરૂ એક વાગ્યા સુધી કરી. બીજે દિવસે આ નિમિત્તે ઉપવાસ કરવાનું વિચાર્યું. તા. ૧૩-૫-પ૭ : રૂપાવટી
સાણંદથી નીકળી રૂપાવટી આવ્યા. કાર્યકર ભાઈબહેનો દૂર સુધી વિદાય આપવા આવ્યાં હતાં. અંતર ચાર માઈલ હશે. ઉતારો કરમણભાઈના નવા મકાનમાં રાખ્યો. ગામલોકોએ ભજનમંડળી અને ઢોલ સાથે સામૈયું કર્યું. ખાસ કરીને ભરવાડ ભાઈ-બહેનોનો ઉત્સાહ અતિ હતો. તેમની ભક્તિ પણ ઘણી હતી.
૬૨
સાધુતાની પગદંડી : પુસ્તક – છઠું