________________
ભાઈઓને આ વાત ગળે નથી ઊતરી પણ તેમને સમજાવવા રહ્યા. આપણે જો સૂકો રોટલો ખાવો હોય, તો પાડોશીને રોટલો આપવો પડશે.
રસિકભાઈ પ્રધાન થયા. તેમણે ઇછ્યું કે આની નોંધ મોકલો. પછી તો અંબુભાઈ, ફૂલજીભાઈ રૂબરૂ મળી આવ્યા. તેઓ સ્વીકાર કરે કે નહિ તે જુદી વાત છે પણ એ લોકો ચિંતન કરે છે. સરકાર જ નહિ, સારા ચિંતકો પણ ચિંતા કરે છે. ટુકડીઓની અસર આખા દેશમાં થઈ છે. તમારી સમજ અને હિંમતે એ કામ કર્યું છે. ફૂલજીભાઈ ત્યાં બોલ્યા તે વાણી ભણવાથી નથી આવતી, પણ હૈયા ઉકલતથી, ત્યાગથી આવે છે. હવે એકાદ-બે વ્યક્તિઓથી નહીં ચાલે. ખેડૂતોએ બધાંએ તૈયાર થવાનું છે. કૉંગ્રેસની અંદર મોટી સંખ્યામાં જવું જોઈએ. ક્રિયાશીલ સભ્યો થાય અને તાલુકા સમિતિનો અવાજ બુલંદ બનાવો. આજે જે ભાઈઓ કામ કરે છે તે કામ કરે જ છે પણ દૃષ્ટિપૂર્વકનું કામ થવું જોઈએ. તમે બધાં સમજશક્તિ ખીલવો. હવે તમારો પ્રયોગ જોવા ઘણા જણ આવે છે. હમણાં બૌદ્ધગયાથી એક સાધુજી આવ્યા હતા. તેઓ ખેડૂતોને પણ મળ્યા અને બહુ સારી છાપ લઈને ગયા. હવે જૂની નેતાગીરી વિદાય લઈ રહી છે ત્યારે નવી નેતાગીરી દીપાવવાની છે. ઉપરથી કામ બહુ નહિ દેખાય, પણ તમો કઈ ભાવનાથી કામ કરો છો, તમારો આચાર કેવો છે તે જોશે. કોંગ્રેસના ઉપલા મોવડીઓની તમારા ઉપર સારી છાપ પડી છે. ટુકડીઓને વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈનો અભિનંદનનો તાર આવ્યો હતો. આપણે અભિમાની નથી થવાનું પણ જવાબદારી વધવાની છે. તેમ સાવ લાઘવ ગ્રંથી પણ ના રાખીએ. સહકારી પ્રવૃત્તિ ખીલવવી પડશે. હવે ફંડફાળાથી પ્રવૃત્તિ નહીં ચાલે પણ સહકારી મંડળી દ્વારા નાણાં ઊભા કરવા પડશે.
ત્યારબાદ નાનચંદભાઈએ સારંગપુર અંગે કહ્યું. શરૂથી અંત સુધીની બધી વાતો કરી અને બન્ને પક્ષે જે સમાધાન થયું તે વાંચી સંભળાવ્યું.
ત્યારબાદ અંબુભાઈએ કહ્યું કે, કેટલીક ટીકા કરવામાં આવે છે કે મંડળ જે કંઈ ઠરાવો કરે છે તે લોકો સમજતા નથી અને પસાર થાય છે. મને લાગે છે કે આ સ્વરૂપ ખોટું છે. ઠરાવની બધી વિગતો અને તેના પડનારા પ્રત્યાઘાતો સમજાવવામાં આવે છે. સદ્ભાગ્યે તમારી બધાની મુનિશ્રી અને કાર્યકરો ઉપર શ્રદ્ધા છે એટલે તમો સમજી મોટેરા જે કંઈ કરતાં હશે તે અમારા હિતનું જ હશે. આમ છતાંય તમે ઠરાવ આવે ત્યારે તે અંગે નિઃસંકોચપણે જે કંઈ કહેવું હોય તે કહો. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૭