________________
તા. ૮,૯-૧૨-૫૬ : જવારજ
ધોળીથી નીકળી જવારજ આવ્યા. અંતર સાડા ત્રણ માઈલ હશે. ઉતારો અદુભાઈના મકાનમાં રાખ્યો હતો. ગામને ખબર નહોતી. બપોરના ખેડૂતમંડળના ૬૦ એકરના ઠરાવ વિશે સારી ચર્ચાઓ થઈ. રાત્રે પ્રવચનમાં પણ સૈદ્ધાંતિક વાતો કરી. આ ગામ શક્તિશાળી છે પણ હમણાં હમણાં મોટા ખેડૂતોને ૬૦ એકરના ઠરાવ બાબત અસંતોષ છે એટલે મંડળ તરફ ઓછો રસ બતાવે છે. ૬૦ એકરનો ઠરાવ આઠ-દશ વ્યક્તિને લાગુ પડે છે.
બીજે દિવસે રાત્રે પ્રશ્નોત્તરી જેવું રાખ્યું હતું. અંબુભાઈ રાતના આવ્યા હતા. સભામાં મહારાજશ્રી પુણ્યપ્રકોપ ઠાલવે છે. અહીંના લોકો હમણાં ખેડૂત મંડળના ૬૦ એકરના ઠરાવથી નારાજ થયા છે. મહારાજશ્રીએ જણાવ્યું કે, મંડળ કોઈ અમુક વર્ગનું નથી, તે સૌનું છે. તેના નિયમો સૌના હિતકારી હોવા જોઈએ. કોઈ એક વર્ગને લાભ થાય એવું નહિ ચાલે. બાપુ કહેતા : પંડિતજી નીકળી જાય, હું ન હોઉં તો પણ કોંગ્રેસ મરવાની નથી. એનો અર્થ કૉંગ્રેસના સિદ્ધાંતો મરવાના નથી. તેમ મંડળ જો નીતિના પાયા પર ઊભું હશે તો તેના સિદ્ધાંતો કદી મરનાર નથી. સભ્યોમાં તો ભરતીઓટ આવ્યા જ કરવાની. તા. ૧૦-૧૨-૫૬ : વેજલકા
જવારજથી નીકળી વેજલકા આવ્યા. અંતર ચાર માઈલ હશે. ઉતારો નિશાળમાં રાખ્યો. ગામલોકોએ સ્વાગત કર્યું. આવીને પ્રાસંગિક કહ્યું. રાત્રે જાહેરસભા થઈ.
સભામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તેમાં ગ્રામસંગઠન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રતાપભાઈ પંડ્યા (સઘનના કાર્યકર્તા)એ કહ્યું કે આ ગામ સઘનમાં આવેલું છે. તમે એનો લાભ લો. ગ્રામઉદ્યોગો વિશે પણ સમજણ આપી હતી.
મીરાંબહેન અહીંથી બાવળા ગયાં કારણ કે પૂ. નાનચંદજી મહારાજ બાવળા આજે આવ્યા છે. તેઓ ઇચ્છે છે કે મીરાંબહેન બાવળાથી ટીંબા સુધી તેમની સાથે રહે. આ એક શુભ ઘડી કહેવાય. જૈન સાધુઓ બહેનોને સાથે સહપ્રવાસી તરીકે રાખતા જ નથી, જયારે મહારાજશ્રી મીરાંબહેનને સામે ચાલીને સાથે આવવા કહે છે તે ક્રાંતિ પણ જેવી તેવી નથી ! તેઓ સાથે આનંદથી ગયાં. સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૩