________________
તા. ૧૧-૧૨-૫૬ : નાનીબોરુ
વેજલકાથી નીકળી નાની બોર આવ્યા. અંતર છ માઈલ હશે. ઉતારો એક પટેલના મેડા પર રાખ્યો હતો. આવતાં વચ્ચે રસ્તામાં થોડું ભૂલાં પડ્યા. અડધો કલાક બગડ્યો. ગામલોકોએ ઢોલ, શરણાઈ સાથે સ્વાગત કર્યું. ગામલોકોએ ગઈ કાલે વાટ જોયેલી કારણ કે તેમને એવા સમાચાર મળેલા. પણ અમે ન આવ્યા એટલે બાર વાગ્યા સુધી આખા ગામે વાટ જોયેલી. સૌ સરઘસ આકારે શુદ્ધિપ્રયોગ છાવણીમાં આવ્યા. અહીં પ્રાર્થના પછી મહારાજશ્રીએ પ્રાસંગિક કહ્યું. ત્યાંથી પછી નિવાસસ્થાને આવ્યા.
અહીં ગણોતધારાના વિરોધમાં શુદ્ધિપ્રયોગ ચાલે છે. ડાહ્યાભાઈ પટેલે પોતાની જમીન છોડી દેવાની તૈયારી બતાવી છે. સાથે ત્રણ ત્રણ ઉપવાસ બીજા ભાઈબહેનો કરે છે. એ રીતે ઉપવાસ ગૂંદીના નાનુભાઈના હતા પણ તેમની દીકરી ખૂબ બીમાર થઈ ગઈ હોવાથી અંબુભાઈની ચિઠ્ઠી લઈને ગામ ઉપર આવ્યા. હકીકત કહી. પોતે તૈયારી જ બતાવી પણ જો બીજા કોઈ તૈયાર થાય તો સારું. ગામે તેમને રજા આપી અને ડાહ્યાભાઈ તૈયાર થયા. મહારાજશ્રીની સલાહ લીધી ને મંજૂરી માંગી. મહારાજશ્રીએ કહ્યું, ડાહ્યાભાઈએ ત્યાગ કર્યો છે એટલે તેમને બે લાભ ના મળે. ગણોતિયાના હિતની વાત છે એટલે બીજા કોઈ તૈયાર થાય તો સારું. કોઈ ના હોય તો હું તો છું જ, પણ વિચાર કરતાં લાગ્યું કે પોતે સવારમાં દૂધ પી લીધું છે. બીજા લોકોમાં દરેકે કંઈ ને કંઈ ચા-દૂધ લઈ લીધેલું કારણ કે બપોર થઈ ગયેલો. પછી કુદરતી જ ચંપાબહેન કરીને એક બહેન કે જેઓ સહાયક ઉપવાસી હતાં, તેમની કુદરતી ઇચ્છા ઘણી હતી. આ યોગ મળ્યો. તેમને ખૂબ આનંદ થયો. થોડા વખત પછી જ ત્રીજું લગ્ન થવાનું છે. તે પહેલાં તપ થાય એ રીતે પણ તેમને તથા કુટુંબીઓને આનંદ થયો. કુદરતના યોગ સિવાય આમ ના બને.
બપોરના ત્રણથી ચાર રામાયણ વાંચન થયું. આજે વર્ગની પૂર્ણાહુતિ થઈ. બહેનો-ભાઈઓ આવ્યાં હતાં. આ જ વખતે જયંતીભાઈ આવી ગયા. તેમણે શુદ્ધિપ્રયોગ અંગે સુંદર કહ્યું. સારંગપુરનો પ્રશ્ન ટુકડાઓનો પ્રશ્ન સારી રીતે પતી ગયો. આ આપણો પ્રયોગ એક વાર આખા જગતમાં નવી પ્રેરણા જગાડશે. ભલે આજે એની કાંઈ કિંમત ના હોય. ત્યારબાદ મહારાજશ્રીએ ગણોતધારો અને મહાગુજરાત વિશે કહ્યું. સૌ વિખરાયા, પરિશ્રમાલયની મુલાકાત લીધી. ૧૪
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું