________________
કૉંગ્રેસ પ્રમુખ શ્રી ઢેબરભાઈ, કૉંગ્રેસ મંત્રી શ્રીમન્નનારાયણ અને સૌરાષ્ટ્ર-ગુજરાતના બીજા ધારાસભ્યો, વ્યક્તિઓ આવી, ખાસ આનંદ પામવા જેવી હકીકત તો એ બની કે શ્રીમન્નજી અહીં આવી ગયા. પછી બીજું ચૂંટણી અંગેનું વાતાવરણ જોઈને ગયા તથા ખેડૂત મંડળની આર્થિક સ્વતંત્ર નીતિની વાત તેમને ગમેલી. તે અંગે અખિલ ભારત કૉંગ્રેસનો એક સરક્યુલર નં. ૩૪ દેશની દરેક પ્રદેશ સમિતિ ઉપર કાઢઢ્યો કે કૉંગ્રેસે સંગઠન તરીકે સહકારી મંડળીઓમાં, સાંસ્કૃતિક, સંસ્કારિક કે સામાજિક સંસ્થાઓની બાબતોમાં ન પડવું. આ એક ઐતિહાસિક ઘટના બની. જેને માટે વરસોથી મહારાજશ્રી અને મંડળ મથી રહ્યાં હતાં.
મહારાજશ્રીએ ચાતુર્માસનું સરવૈયું કહેતાં જણાવ્યું કે ગામે મારા તરફ સતત જે ભક્તિ બતાવી, ખાસ કરીને પથાભાઈના આખા કુટુંબે જે અનન્ય સેવા કરી છે તેનાથી હું પ્રભાવિત થયો છું. એક વરસાદ આવી ગયો હોત તો વધુ આનંદ થાત. પણ કુદરતે જે કંઈ યોર્યું હશે તે સારા માટે જ. હવે એમ સંતોષ માનવો જોઈએ. આટલા લાંબા સમયમાં ઘણી વાર મારી વાણી વર્તનથી કોઈને દુઃખ થયું હોય તો તેની ક્ષમા યાચી લઉં છું. દાજીભાઈ જો બીજાં લગ્ન કરવાનો વિચાર કરે તો પણ આ ચાતુર્માસ દરમ્યાન ખામોશી રાખી આમન્યા જાળવી તેથી મને સંતોષ થયો છે. પીતાંબરભાઈનું ખૂન થયું તેનો દુઃખદ ઉલ્લેખ કરી પોતાને ઉપવાસ કરવા પડ્યા, તેમાં પથાભાઈના કુટુંબે સહાનુભૂતિ માટે કરેલો ઉપવાસનો ઉલ્લેખ કર્યો. સૌ આનંદ અને શોકના ગંભીર વાતાવરણમાં છૂટાં પડ્યાં.
સવારમાં વિદાય સાડા આઠ વાગે થવાની હતી. તે પહેલાં ભાઈબહેનો એકત્રિત થઈ ગયાં હતાં. દરેકને વિદાય વસમી લાગતી હતી. કોઈ કોઈની આંખમાં પાણી હતાં. મહારાજશ્રીએ છેલ્લે છેલ્લે સૌના પ્રેમનો ઉલ્લેખ કરી વિદાય લીધી. બહેનો-ભાઈઓ પાદર સુધી સાથે આવ્યાં. પાદરમાં સૌ ઊભાં રહ્યાં. મહારાજશ્રીએ સર્વથા, સૌ સુખી થાઓ'ના આશીર્વાદ આપી પ્રેમભરી વિદાય લીધી. વળી થોડાં ભાઈઓ કોચરિયાના અડધા રસ્તા સુધી સાથે આવ્યા અને પ્રેમભરી વિદાય લીધી. મીરાંબહેન થોડાં વહેલાં (મોટર મળવાથી) વિદાય થયાં હતાં.
સાધુતાની પગદંડી : પુસ્તક - છઠું
૧૦૩