________________
વંદિત્ત-સૂત્ર-વિશેષ કથન
૨૭૧
(૫૩) મન, વચન, કાયાને નિષ્પાપ બનાવવાનો પ્રયત્ન કરવો. તે માટે રોજ ઓછામાં ઓછું બે ઘડી પ્રમાણવાળું - ૪૮ મિનિટ પર્યન્તનું સામાયિક નામક અનુષ્ઠાન રાખવું.
(૫૪) રોજ સચિન, દ્રવ્ય, વિગઈ આદિ ચૌદ નિયમો સવાર-સાંજ ધારવા અને ઓછામાં ઓછી જરૂરિયાતથી રહેતા શીખવું. તેમજ સાંસારિક પ્રવૃત્તિઓની મર્યાદા કરવી.
(૫૫) પર્વ દિવસોમાં (શક્ય હોય તો અન્ય દિવસોમાં પણ) ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, શરીર શણગાર અને સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરવો આ બધાં માટે એકાંત સ્થાનમાં ધર્મધ્યાન કરવા માટે પૌષધનું અનુષ્ઠાન કરવું.
(૫૬) સાધુ-સાધ્વીજીને અતિથિ માનીને શુદ્ધ આહાર-પાણી વહોરાવવા, સંયમોપયોગી બીજા પણ ઉપકરણોનું દાન કરવું તેઓની યથાશક્તિ સેવા-ભક્તિ કરવી.
(૫૭) મૃત્યુ સમય નજીક જણાય ત્યારે અનશનપૂર્વક સમાધિમરણની આરાધના કરવી.
(૫૮) આરાધના-તપ ઇત્યાદિના ફળ સ્વરૂપે કદી પણ આલોક-પરલોક આદિની સુખની ઇચ્છા ન કરવી.
(૫૯) અનુકૂળ સ્થિતિમાં જીવવા માટે અને પ્રતિકૂળ સ્થિતિ આવી પડે ત્યારે મરવા માટેની વિચારણા કે ઇચ્છા ન કરવી.
(૬૦) મન, વચન, કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ કરીને, તે દ્વારા અપ્રશસ્ત એવા મન, વચન, કાયાનું નિયંત્રણ કરવું.
(૬૧) યથા સમય, યથાવિધિ દેવવંદન કરવું. (૬૨) વ્રતોને ગ્રહણ કર્યા મુજબ તેનું પાલન કરવું. (૬૩) સામાયિક આદિના સૂત્રોને અર્થ સહિત ગ્રહણ કરવા.
(૬૪) જાતિ, કુળ, રૂપ, બળ, શ્રત, તપ, લાભ, ઐશ્વર્ય એ આઠ બાબતે કદાપી અભિમાન ન કરવું.
(૬૫) આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આદિ સંજ્ઞાનો ત્યાગ કરવો અથવા આવી સંજ્ઞાઓમાં યોગ્ય વિવેકપૂર્વક વર્તવુ.
(૬૬) ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કરવો અથવા અપ્રશસ્ત એવા ક્રોધ, માન, માયા, લોભ ન કરવા.
(૬૭) જેનાથી આત્મા દંડાય તેવા મન, વચન, કાયાના દંડનો ત્યાગ કરવો.
(૬૮) ચાલવામાં, બોલવામાં, ગ્રહણ કરવામાં, લેવા-મૂકવામાં અને પરઠવવામાં સાવધાની રાખવી.
(૬૯) આરંભ-સમારંભ આદિ પાપ કાર્યો કરવા જ પડે તો પણ નિર્ધ્વસપણે ન કરવા. જે કંઈ કાર્યો કરવા પડેલ હોય તેનો પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત અને પ્રતિક્રમણ કરવા.