________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૪૮, ૪૯
૨૬૧ મરીચિએ પહેલાં તો તેને અરિહંત પરમાત્માનો માર્ગ જ સમજાવ્યો. પણ જ્યારે કપિલે પૂછયું કે, શું તમારા માર્ગમાં ધર્મ નથી ? ત્યારે મરીચિએ કહ્યું કે, હે કપિલ! ધર્મ તો ત્યાં પણ છે અને અહીં પણ છે. એમ કહીને તેણે ત્રિદંડીપણામાં પણ ધર્મ હોવાનું કથન કરીને વિપરીત પ્રરૂપણા કરી અથવા ઉન્માર્ગની દેશના આપી.
આ વિપરીત પ્રરૂપણાથી કોડાકોડી સાગરોપમનો સંસાર વધાર્યો તેમજ જે ‘ત્રિદંડીપણામાં' ધર્મ હોવાનું કથન કરવા દ્વારા વિપરીત પ્રરૂપણા કરી હતી એ જ ત્રિદંડીપણાને વારંવાર પામ્યો. પંદરમાં ભવ સુધી તે જ્યારે જ્યારે મનુષ્યપણું પામ્યો ત્યારે ત્યારે ‘ત્રિદંડી બ્રાહ્મણ જ થયો.
આવી કોઈ વિપરીત પ્રરૂપણા અનાભોગે થઈ હોય તો તેનું પ્રતિક્રમણ કરવું તેમ અહીં સૂત્રકારશ્રી જણાવે છે.
૦ પ્રશ્ન :- અહીં પ્રતિક્રમણના ચોથા કારણરૂપે જે “વિપરીત પ્રરૂપણા” કહ્યું, તો શું શ્રાવકને ધર્મદેશના આપવાનો અધિકાર છે ?
– સમાધાન :- ગીતાર્થ ગુરુ ભગવંતો પાસે સૂત્ર અને અર્થને યથાર્થપણે જાણે અને જાણીને “પૂજ્ય ગુરૂદેવો આ પ્રમાણે કહે છે" - એમ કહીને શ્રાવક (શ્રાવકો પાસે કે પરિવારજન પાસે) દેશના આપી શકે. અર્થદીપિકા વૃત્તિમાં એક સાક્ષીપાઠ આપીને કહ્યું છે કે, શ્રાવક ભણે, સાંભળે, ચિંતન કરે અને ધર્મનો ઉપદેશ આપે. (જો કે આ બાબત ગ્રંથાન્તરમાં અન્ય રીતે જણાવી છે. શ્રાવક નિત્ય વ્યાખ્યાન શ્રવણ કરે, પછી સાંજે પ્રતિક્રમણ બાદ ઘેર પોતાના પરિવારને એકત્ર કરી, ગુરુ મહારાજ પાસે જે શ્રવણ કર્યું હોય, તેનો બોધ પરિવારના લોકોને આપે) તેમ કરતા અનાભોગથી જો કાંઈ વિપરીત પ્રરૂપણા થઈ ગઈ હોય, તો તેનું પ્રતિક્રમણ કરે.
આ રીતે જેઓ વ્રતધારી ન હોય તેવા સામાન્ય ગૃહસ્થ પણ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે.
૦ ગાથા રહસ્ય - “વ્રતોની વિરાધનાનો સંભવ જેણે વ્રત ગ્રહણ કર્યા હોય તેવા શ્રાવકોને હોય છે. જેણે વ્રત ગ્રહણ કર્યા જ નથી, તેને અતિચાર લાગે
ક્યાંથી ? જો અતિચાર ન લાગ્યા તો પ્રતિક્રમણ શા માટે કરવાનું ? તેથી વ્રતધારીઓને જ પ્રતિક્રમણ કરવાનું હોય. વ્રતધારણ ન કરનારને પ્રતિક્રમણ કરવાનું ન હોય" - આવી મિથ્યા માન્યતા ધરાવનારને માટે સૂત્રકારે આ ગાળામાં સ્પષ્ટ સમાધાન આપ્યું છે કે પ્રતિક્રમણની ક્રિયા તો સર્વે જન માટે સાધારણ છે. પ્રતિક્રમણ શા માટે કરવું જોઈએ તેના ચાર કારણો આ ગાળામાં જણાવ્યા છે.
– હવે ગાથા-૪૯નો આરંભ થાય છે. ઉપરોક્ત ગાથામાં પ્રતિક્રમણના વિષયો તેમજ હેતુઓ જણાવવા પૂર્વક દરેકને પ્રતિક્રમણ કરવાનું છે. એ વાત સિદ્ધ કરી. હવે આ ગાથામાં અનંતા ભવમાંના અનંતા જીવો સંબંધીના વૈરવિરોધની ક્ષમાપના વડે પ્રતિક્રમણ જણાવાય છે.