________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૩
૨૧૯ બારમા વર્ષમાં કોટિસહિત નિરંતર આયંબિલ કરે. (જો કે બારમા વર્ષે શું કરવું? તે બાબત અનેક મત-મતાંતરો છે.)
* આ પ્રમાણે બાર વર્ષની ઉત્કૃષ્ટ સંલેખના કરી પર્વતની ગુફામાં જઈને એટલે ઉપલક્ષણથી બીજી પણ જે, છ જવનિકાયની વિરાધના વગરનું એકાંત સ્થાન હોય, ત્યાં જઈને પાદપોપગમન અથવા ભક્તપરિજ્ઞા અથવા ઇંગિની મરણને સ્વીકારે.
(૨) મધ્યમ સંલેખના :
ઉપરોક્ત રીતે જ બાર મહિને સંલેખના તપ કરવો તેને મધ્યમ સંલેખના કહી છે.
(૩) જઘન્ય સંલેખના :
ઉપરોક્ત રીતે જ બાર પખવાડીયે એટલે છ મહિને જે સંલેખના તપ કરવો તેને જઘન્ય સંલેખના કહી છે.
૦ આ તપના મુખ્ય અધિકારી તથા એક દષ્ટાંત :
વૃદ્ધાવસ્થાને કારણે, રોગાદિકને લીધે કે પ્રબળ વૈરાગ્યથી “સંલેખના" કરવાની ઇચ્છા થાય ત્યારે શક્તિ-સંયોગો જોઈને પહેલા તિવિહારો કે ચોવિહારો “સંલેખના તપ કરવામાં આવે છે. આ તપ સ્વીકાર્યા પછી મનના ભાવો નિર્મળ રહે તેવા જ પ્રયાસો કરવાના હોય છે. પૂર્વે જેણે શરીરની બધી ધાતુઓનું તથા ગારવ આદિ માનસિક ભાવોનું શોષણ કર્યું હોય છે, તે જ આ તપ ક્રિયાના મુખ્ય અધિકારી છે.
– લઘુ દાંત :- કોઈ એક ગચ્છમાં એક મુનિએ સંથારો-સંલેખના સ્વીકારી. અપ્રમત્ત ભાવે આરાધના કરતા તેઓ સમાધિ મૃત્યુને પામ્યા. તેમની ઋદ્ધિ વગેરે જોઈને બીજા એક મુનિને પણ સંલેખના સ્વીકારવાની ઇચ્છા થઈ. ગુરુ મહારાજ પાસે આજ્ઞા માંગી કે, આપની રજા હોય તો હું સંલેખના સ્વીકારી અનશન કરું. ગુરુ મહારાજે કહ્યું કે, હજી આપની યોગ્યતા નથી. પેલા મુનિએ કઠોર તપ આદર્યું, એમ કરતા કેટલોક કાળ નિગમન કર્યો. પછી ફરી ગુરુ મહારાજને કહ્યું કે, મેં શાસ્ત્રોક્ત વિધિ મુજબનો તપ પણ પૂરો કર્યો છે, હવે આપ મને સંલેખના-અનશન કરવાની આજ્ઞા આપો. ફરી પણ ગુરુ મહારાજે તેને આજ્ઞા ન આપી. ફરી તાપૂર્વક કેટલોક કાળ વીતાવી આજ્ઞા માંગી. જ્યારે ત્રીજી વખત સંખનાની આજ્ઞા ન આપી તે મુનિરાજે ક્રોધિત થઈને કહ્યું કે, હવે આ શરીરમાં માંસ કે ધાતુ બચ્યા નથી, કંઈ કૌવત રહ્યું નથી, ચામળીઓ લબડી રહી છે, તો પણ આપ મને સંલેખના કરવાની આજ્ઞા કેમ નથી આપતા ? ત્યારે ગુરુ ભગવંતે કહ્યું કે હજી વાર છે. ત્યારે રોષથી તે મુનિએ પોતાની આંગળી વાળીને બટકાવી દેતા કહ્યું કે, હજી શું વાર છે ? ત્યારે ગુરુએ ઉત્તર આપ્યો કે બસ આ જ કારણ - માત્ર શરીર શોષવાથી સંલેખના ન થાય, કષાયોનું પણ શોષણ કરવું જોઈએ.
ત્યારે બોધ પામેલા મુનિએ પોતાના કષાયો, ગારવો આદિનો ત્યાગ કર્યો. પછી સંલેખના સ્વીકારી સ્વર્ગે ગયા.