________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૩
‘સં’ નો અર્થ છે ‘સમ્યક્' અથવા સારી રીતે. તેથી જેનાથી સારી રીતે શોષણ થાય તે ‘સંલેખના' તપ-ક્રિયા કહેવાય છે. આ શોષણ શરીર અને કષાયો આદિનું કરવાનું હોય છે. તેથી શરીર અને કષાયો વગેરેનું શોષણ કરનારું જે તપ તેને ‘સંલેખના' કહેવામાં આવે છે.
૨૧૮
પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે, (જુઓ ગાથા-૧૩૬૬)
“દેહ અને કષાયો વગેરે નિયમથી પાતળા પાડી દે-કૃશ કરી નાખે, તેવી તપક્રિયાને જિનવરોએ ‘‘સંલેખના' કહી છે.
વાસવિતા આગમમાં આ સૂત્રને “અપશ્ચિમ મારણાંતિક સંલેખના'' એવા શબ્દોથી ઓળખાવેલ છે.
મરણ સમયે યોગ્ય સમાધિ, મનની સ્થિરતા અને આરાધક ભાવ જળવાઈ રહે તે માટે જ્યારે બળ, વીર્ય, સાહસ, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ વિદ્યમાન હોય ત્યારે જ ખાવું-પીવું અર્થાત્ સર્વે આહારનો ત્યાગ કરી દઈને મરણ પર્યન્તનું ‘‘અનશન'' કરવું તે સંલેખનાનો મુખ્ય હેતુ છે.
૦ સંલેખનાનો વિધિ :
પ્રવચન સારોદ્ધારના દ્વાર-૧૩૪માં શ્લોક ૮૭૫થી ૮૭૭માં જણાવે છે કે, ચાર વર્ષ જુદા-જુદા પ્રકારનો તપ કરે. ચાર વર્ષ વિવિધ તપ વિગઈ-રહિતપણે કરે. બે વર્ષ એકાંતરા આયંબિલ સહ ઉપવાસ કરે. પછી છ મહિના અતિ વિકૃષ્ટ તપ નહીં પણ કંઈક હળવો તપ અને પારણે પરિમિત આયંબિલ કરે. આ પ્રમાણે ક્રમ પૂર્વક બાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ સંલેખના કરી પર્વતની ગુફામાં જઈ પાદપોપગમન અનશનને સ્વીકારે.
આગમોક્ત વિધિએ આ સંલેખના ત્રણ પ્રકારની કહી છે.
(૧) ઉત્કૃષ્ટ સંલેખના - પહેલા ચાર વર્ષ વિવિધ પ્રકારનો કઠોર તપ કરે એટલે ચાર વર્ષ સુધી ક્યારેક ઉપવાસ, ક્યારેક છઠ્ઠ ક્યારેક અટ્ટમ, ક્યારેક ચાર-પાંચ ઉપવાસ કરે, પારણામાં ઉદ્ગમ વગેરે દોષો રહિત મનોઈચ્છિત આહાર વાપરે.
તે પછી બીજા ચાર વર્ષ ઉપર મુજબ ઘોર વિવિધ પ્રકારનો તપ કરે અને પારણામાં વિગઈ રહિત આહાર વાપરે એટલે કે ઉત્કૃષ્ટ રસના ત્યાગપૂર્વકની નિવિ કરે.
તે પછી બીજા બે વર્ષ સુધી એકાંતર આયંબિલ કરે તેમાં આંતરામાં ઉપવાસ કરે, પારણે આયંબિલ કરે. આ પ્રમાણે કુલ દશ વર્ષ પૂરા થાય.
પછી અગિયારમાં વર્ષમાં પહેલા છ મહિનામાં અતિગાઢ તપ ન કરે એટલે ઉપવાસ કે છઠ કરે પણ અઠ્ઠમ વગેરે તપ ન કરે. પારણામાં પરિમિત આયંબિલ એટલે ઉણોદરીપૂર્વક આયંબિલ તપ કરે. તે પછી બીજા છ મહિનામાં વિકૃષ્ટ એટલે અટ્ટમ, દશમભક્ત, દ્વાદશભક્ત વગેરે કઠોર તપ કરે. પારણામાં ઉણોદરી તપ ન કરતા સંપૂર્ણ પેટ ભરીને આયંબિલ કરે.