________________
વંદિત્ત-સૂત્ર-વિવેચન-ગાથા-૩૦
૨૦૫ ખાદ્ય, સ્વાદ્ય તથા વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, પીઠ, પાટીયા, શય્યા, સંથારા વગેરેનું દાન કરવાપૂર્વક શ્રાવક પોતાનો કાળ નિર્ગમન કરે.
૦ અતિથિ સંવિભાગનો વર્તમાન વિધિ :
અતિથિસંવિભાગ માટે વૃદ્ધ પરંપરાથી અને પંચાશક ચૂર્ણિ મુજબ અતિથિ સંવિભાગ માટે સામાચારી આ પ્રમાણે ચાલે છે–
શ્રાવકે પૌષધના પારણે મુનિને દાન આપીને ભોજન કરવું. તે માટે ભોજનનો અવસર થાય ત્યારે - સુંદર વસ્ત્ર, અલંકાર પહેરીને શોભાપૂર્વક ઉપાશ્રયે જઈ સાધુને વિનંતી કરે કે, હે ભગવંત ! આપ આહાર-પાણી અર્થે મારે ત્યાં પધારો.
એ વખતે સાધુની સામાચારી એવી છે કે તેઓ વિલંબ ન કરે, પણ જલ્દીથી તૈયારી કરે. કેમકે વધારે સમય લાગે તો સાધુને સ્થાપના દોષ લાગે અને શ્રાવકને ભોજનમાં અંતરાય થતા સાધુને ભોગાંતરાય આદિ કર્મનો બંધ થાય. તેથી (વધુ સાધુ હોય તો) એક સાધુ પડલાનું પડિલેહણ કરે, બીજા સાધુ મુહપતિ પડિલેહે અને ત્રીજા સાધુ પાત્રાનું પ્રતિલેખન કરે. પછી પોરિસ આદિનો સમય જાળવીને ગૌચરી લેવા નીકળે ત્યારે આહાર લેવા જનાર મુનિ અને બીજા સંઘાટક સાધુ સાથે જાય. તેઓ નિમંત્રણ કરનાર શ્રાવકની પાછળ-પાછળ જાય.
ઘેર પહોંચે ત્યારે શ્રાવક સાધુઓને આસન ગ્રહણ કરી બેસવા વિનંતી કરે. મુનિરાજ જો બેસે તો ઠીક, નહીં તો શ્રાવકે વિનય કર્યો ગણાય. ત્યારબાદ સ્વહસ્તે આહાર-પાણી વહોરાવે અથવા બીજી વ્યક્તિ વહોરાવનાર હોય તો વહોરાવે ત્યાં સુધી આહારાદિના વાસણો પોતે ધરી રાખે વહોરાવ્યા પછી શ્રાવક વંદના કરી મુનિને વિદાય આપવા કેટલાંક ડગલાં પાછળ જાય. પછી આવીને પોતે જમે.
જો પોતાના તે ગામ વગેરેમાં સાધુ-મુનિરાજનો યોગ ન હોય, તો પણ પોતે ભોજન અવસરે બારણે જોયા કરે, ચિત્તના શુદ્ધ ભાવથી ભાવના કરે કે જો કોઈ સાધુ આવે તો સારું, આ પ્રમાણે શુદ્ધ હૃદયથી ભાવના કર્યા પછી પારણું કરે.
પૌષધ સિવાયના અવસરે દાન આપીને જમે કે જમીને દાન આપે.
૦ શ્રાવધર્મ પ્રજ્ઞપ્તિ નો પાઠ - અતિથિસંવિભાગ એટલે અતિથિ રૂપ સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ. તેઓ કોઈ જ્યારે ઘર આંગણે પધારે ત્યારે ભક્તિપૂર્વક ઉભા થઈને આસન આપવું, પાદપ્રમાર્જન કરવું, યથાયોગ્ય નમસ્કારાદિ કરવા. ઇત્યાદિ કર્યા પછી પોતાના વૈભવના પ્રમાણમાં આહાર, પાણી, વસ્ત્ર, ઔષધ, વસતિ આપીને સંવિભાગ કરવો.
૦ અતિથિ સંવિભાગ વ્રતના અતિચારો – (૧) સચિત્ત નિક્ષેપ
(૨) સચિત્તવિધાન (૩) પરવ્યપદેશ
(૪) માત્સર્ય (૫) કાલાતિક્રમદાન
આ પાંચે અતિચારોનો અર્થ વિવેચન હવે વંદિત્ત સૂત્રની ગાથા-૩૦ અનુસાર શબ્દશઃ અમે આગળ જણાવી રહ્યા છીએ.