________________
૩૦૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
(ભાવના).
- ધર્મધ્યાન ચોથાથી સાતમા ગુણઠાણા સુધી હોય છે.
(૪) શુકલધ્યાન :- કષાયના લય અથવા ઉપશમ વડે આત્માને પવિત્ર કરે તે શુક્લધ્યાન.
જો કે આ ધ્યાન ઉત્તમ સંતાનવાળાને એટલે કે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં જણાવ્યા મુજબ વજઋષભનારચ, અર્ધવજઋષભનારચ અને મતાંતરે નારજ ત્રણ સંઘયણવાળાને જ સંભવે છે. પરંતુ હાલમાં આ શુક્લધ્યાનનો વિચ્છેદ છે.
શુક્લધ્યાન માટે જ્ઞાનાવ પ્રકરણ-૪૨ શ્લોક-૪માં કહ્યું છે–
“જે ક્રિયારહિત છે, ઇન્દ્રિયાતીત છે, હું ધ્યાન કરું તેવી ધારણાથી રહિત છે અને આત્મસ્વરૂપ સન્મુખ છે, તે શુક્લધ્યાન કહેવાય છે. તેમાં સમા, નિર્લોભતા, સરળતા અને નમ્રતા એ ચાર મુખ્ય લક્ષણો છે.
૦ લઘુ દૃષ્ટાંત :
વસંતપુરમાં શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. મોટાભાઈ શિવભૂતિની પત્ની નાનાભાઈ વસુભૂતિ પર રાગવાળી થઈ. ભોગને માટે યાચના કરી. ત્યારે વસુભૂતિએ કહ્યું, હે મુગ્ધા! ભાભી તો મા સમાન છે, તમે આવી વાતો કેમ કરો છો ? આ વખતે કામવરથી પીડિત કમલશ્રીને તેણે જુદા જુદા દૃષ્ટાંતથી ઘણી સમજાવી. પણ વસુભૂતિની વાત તેણીને ગળે ન ઉતરી, ત્યારે વૈરાગ્યથી વાસિત થયેલ વસુભૂતિએ સ્ત્રી સંગનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી.
આર્તધ્યાનથી તેની ભાભી કમલશ્રી મરીને કુતરી થઈ, તે કુતરી વસુભૂતિ મુનિની પાછળ ભટક્યા કરે છે, બધે જ કુતરીને સાથે જોઈને તે મુનિને લોકો શુનિપતિ કહેવા લાગ્યા. કુતરી મરીને વાંદરી થઈ, ફરી તે મુનિ પાછળ ભમવા લાગી, લોકો તેને વાનરીપતિ કહેવા લાગ્યા. વાંદરી મરીને હંસી થઈ, શીત પરીષહ લઈ રહેલા મુનિને તે હંસી આલિંગન કરવા લાગી. હંસી મરીને વ્યંતરી થઈ.
વ્યંતરીએ વિર્ભાગજ્ઞાનથી પોતાના પૂર્વભવને જોયા. તે ફરી આવીને મુનિને અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગો કરવા લાગી. તો પણ મુનિ ક્ષોભ ન પામ્યા. પણ શુક્લધ્યાનની ધારાએ ચડીને કેવળજ્ઞાન પામ્યા.
૦ શુક્લધ્યાનના ચાર ભેદો છે –
(૧) પૃથકત્વ વિતર્ક (સવિચાર) – જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારે, આત્મા આદિ કોઈ એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ અનેક પર્યાય આદિનું પરાવર્તન થાય તે પૃથકત્વ સવિચાર ધ્યાન.
(૨) એકત્વ વિતર્ક (અવિચાર) - જે ધ્યાનમાં પૂર્વગત શ્રતને આધારે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી ચિંતન થાય, અર્થ-વ્યંજન યોગના પરાવર્તનનો જેમાં અભાવ હોય તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન.
શુક્લધ્યાનના બીજા ભેદને અંતે જીવ કેવળજ્ઞાન પામે છે.