________________
૨૩૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
– આવશ્યક સૂત્ર-૧૫ વૃત્તિમાં પણ જણાવે છે કે - દુર્બાન એટલે દુષ્ટ રીતે કરેલું ધ્યાન. આવું દુર્ગાન. તેને આર્ત અને રૌદ્ર એવા બે ભેદે કહ્યું છે. (પાક્ષિક સૂત્રમાં પણ આ બે ધ્યાનને પરિવર્જવા-છોડવાનું કહ્યું છે.)
- આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને તત્ત્વાર્થસૂત્રના અધ્યાય નવમાં ભેદો સહિત ઓળખાવેલ છે. અન્ય ગ્રંથોમાં પણ તેનું સ્વરૂપ જોવા મળે છે–
૦ આર્તધ્યાન :- પીડા કે દુઃખ જેમાંથી ઉદ્ભવે તે આર્ત. જે ધ્યાનમાં રૂદન, દીનતા, આકંદન વગેરે રહેલા છે.
આવા આર્તધ્યાનના મુખ્ય ચાર કારણો કે ભેદો જણાવેલા છે
(૧) ઇષ્ટવિયોગ - પ્રિય વસ્તુ કે વ્યક્તિનો વિયોગ જ્યારે થાય ત્યારે તેને મેળવવાની ચિંતારૂપે જે ધ્યાન થાય તે ઇષ્ટના વિયોગરૂપ આર્તધ્યાન કહેવાય છે.
(૨) અનિષ્ટ સંયોગ - અપ્રિય કે અનિષ્ટ વસ્તુ અથવા વ્યક્તિનો સંયોગ થયો હોય ત્યારે તેના વિયોગની એટલે કે તે વ્યક્તિ કે સ્થિતિથી છુટા પડવાની ચિંતા થવી તે અનિષ્ટ સંયોગરૂપ આર્તધ્યાન છે.
(૩) રોગચિંતા - શારીરિક-માનસિક પીડા કે વેદના થાય ત્યારે તે રોગ દૂર કરવા માટેની ચિંતા થાય છે, તે રોગ ચિંતારૂપ આર્તધ્યાન છે.
(૪) નિદાન આર્તધ્યાન - નહીં પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે સંકલ્પો કરવા અથવા તો સતત ચિંતીત રહેવું તે નિદાન આર્તધ્યાન.
આવશ્યક સૂત્ર વૃત્તિમાં જણાવે છે કે, આર્તધ્યાનથી તિર્યંચગતિ પ્રાપ્ત થાય છે. તેમજ આ ધ્યાન દેશવિરતિ નામક પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. નંદમણિકાર આ ધ્યાનથી તિર્યંચગતિમાં ગયો.
૦ લઘુ દૃષ્ટાંત :
રાજગૃહીમાં નંદ મણિકાર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેણે ભગવંત મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરેલા હતા. કોઈ વખતે ગ્રીષ્મઋતુમાં ચોવિહારા અઠમતપ યુક્ત પૌષધ ગ્રહણ કર્યો. તે દરમિયાન તેને ઘણી જ તરસ લાગી. ગળ સુકાવા લાગ્યું. તેના મનમાં આર્તધ્યાન શરૂ થયું. તે મનોમન ચિંતવવા લાગ્યો કે તેઓને ધન્ય છે કે જે પોતાના દ્રવ્ય વડે વાવ-કુવા કરાવે છે.
તેણે પૌષધ પાર્યા બાદ શ્રેણિક રાજાની પરવાનગી લીધી. પછી રાજગૃહી નગરી બહાર નંદવાપિકા નામે ચાર મુખવાળી સુંદર વાવ બનાવી. ચારે તરફ ઉપવનો કર્યા. તેના જ આર્તધ્યાનમાં લીન રહેવા લાગ્યો. તેના શરીરમાં કર્મસંયોગે સોળ રોગ ઉત્પન્ન થયા. અનેક ઉપચારો કર્યા છતાં રોગનું નિવારણ ન થયું. આર્તધ્યાનમાં મરીને તે પોતાની જ વાવડીમાં દેડકરૂપે ઉત્પન્ન થયો.
૦ રૌદ્રધ્યાન :આ ધ્યાન આર્તધ્યાન કરતાં પણ વિશેષ કુર અધ્યવસાયવાળું છે. રૌદ્ર - જેનું ચિત્ત કુર અથવા કઠોર હોય તે રુદ્ર કહેવાય છે. – આવી રુદ્રતાપૂર્વકનું જ ધ્યાન તે રૌદ્રધ્યાન છે.