________________
સિદ્ધાણં બુદ્ધાણં'-સૂત્ર-વિવેચન
૧૮૭
પામ્યા.
(૩) તીર્થંકર સિદ્ધ - તીર્થંકર થઈને સિદ્ધ થાય તે. (૪) અતીર્થકર સિદ્ધ - સામાન્ય કેવળીરૂપે સિદ્ધ થાય તે. (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ - સ્વયંબોધ પામીને સિદ્ધ થાય તે. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ - કોઈ નિમિત્ત પામી પ્રત્યેકબુદ્ધપણે સિદ્ધ થાય. – દૃષ્ટાંત :- પ્રત્યેકબુદ્ધ વારત્રક.
વારત્તપુર નગરે અભયસેન રાજા હતો. તેને વાત્રક નામે મંત્રી હતો. કોઈ વખતે ધર્મઘોષ નામે મુનિ વિચરણ કરતા વારત્તપુર આવ્યા. તે મુનિ એષણાસમિતિનું પાલન કરતા-કરતા ગૌચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. વારત્રક મંત્રીના ઘેર પહોંચ્યા. મંત્રી પત્નીએ ઘી-સાકર સહિતની ખીરનું પાત્ર ઉપાડ્યું. વહોરાવવા જતા એક બિંદુ ભૂમિ પર પડ્યું “આ ભિક્ષા છર્દિત દોષ વડે દૂષિત થયેલી છે' તેમ જાણીને મુનિ ત્યાંથી નીકળી ગયા.
વારત્રક મંત્રીને થયું કે આ મુનિ વહોર્યા વિના કેમ નીકળી ગયા હશે ? આવો વિચાર કરે છે ત્યાં ખીરના બિંદુને ચાટવા માખી આવી. માખીને પકડવા ગરોળી દોડી. ગરોળીનો વધ કરવા કાકીડો દોડ્યો. કાકીડાનું ભક્ષણ કરવાને બિલાડી આવી. તેની પાછળ કુતરો દોડ્યો. બે કુતરા વચ્ચે ભયંકર કલહ થયો. તે બંને કૂતરાના સ્વામીઓ લડવા લાગ્યા. આ બધું વાત્રક મંત્રીએ પ્રત્યક્ષ જોયું. ત્યારે મંત્રીને થયું કે ખરેખર ! અરિહંત દેવોએ ધર્મને સારી રીતે જોયો છે ! આ ધર્મ અતિ મનોહર છે. ભગવંત વિના આવો હિતકર ઉપદેશ કોણ આપી શકે ?
આવા વિચારોની ધારાએ મંત્રી સંસારથી વિમુખ બન્યા. વૈરાગ્ય જાગૃત થયો. જાતિસ્મરણ જ્ઞાન થયું. સમ્યક્તયા બોધ પામેલા અને પૂર્વભવના સાધુપણાના સંસ્કારો જાગૃત થવાથી પ્રત્યેકબુદ્ધ થયા. દીક્ષા અંગીકાર કરી. (દેવતાએ તેમને સંયમના ઉપકરણ અને મુનિ વેશ આપ્યો.) કાળક્રમે પ્રત્યેકબુદ્ધ વાત્રક સિદ્ધિગતિને પામ્યા અને સર્વ કર્મોથી મુક્ત થયા.
(૭) બુદ્ધબોધિત સિદ્ધ - આચાર્યાદિકથી બોધ પામીને સિદ્ધ થાય તે. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ - સ્ત્રીપણું પામી ચંદનબાલા આદિની જેમ સિદ્ધ થાય.
(૯) પુરુષલિંગ સિદ્ધ - પુરુષપણું પામીને જંબૂસ્વામી આદિ માફક સિદ્ધ થાય તે.
(૧૦) નપુંસકલિંગ સિદ્ધ - ગાંગેયની જેમ નપુંસકલિંગ સિદ્ધ થાય તે. (૧૧) સ્વલિંગ સિદ્ધ - સાધુવેશમાં સિદ્ધ થાય તે. (૧૨) અન્યલિંગ સિદ્ધ - વલ્કલચીરીની માફક અન્ય વેશે સિદ્ધ થાય તે. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ - ગૃહસ્થપણામાં સિદ્ધ થાય તે. - આ વિષયમાં મરુદેવા માતાની કથા તો પ્રસિદ્ધ છે જ. (૧૪) એક સિદ્ધ - એક સમયે એક જ જીવ સિદ્ધ થયો હોય તે. (૧૫) અનેક સિદ્ધ - એક સમયે એકથી વધુ જીવો સિદ્ધ થયા હોય તે.