________________
૧૮૬
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
(૧૦) અંતર - સિદ્ધના અંતરની દૃષ્ટિએ બે ભેદો છે - નિરંતર સિદ્ધ અને સાંતર સિદ્ધ. જ્યારે એક જીવ સિદ્ધ થાય પછી અનંતરપણે (તુરંત જ ) બીજો જીવ સિદ્ધ થાય તેને નિરંતરસિદ્ધ કહેવાય છે. જો એક જીવ સિદ્ધ થાય પછી અમુક સમય ગયા બાદ બીજો જીવ સિદ્ધ થાય તો તેને સાંતર સિદ્ધ કહેવાય છે. આવું અંતર બે જીવના સિદ્ધત્વ વચ્ચે જઘન્યથી એક સમય હોય છે. ઉત્કૃષ્ટથી છ માસ હોય છે.
(૧૧) સંખ્યા - સંખ્યાની દૃષ્ટિએ એક સમયમાં જઘન્યથી એક જીવ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી એકસો આઠ જીવો સિદ્ધ થઈ શકે છે.
(૧૨) અલ્પબદુત્ત્વ - સિદ્ધનો જે અગિયાર બાબતે વિચાર કર્યો તે ભેદોમાંથી તે - તે બાબતે જે ન્યૂનાધિકતાનો વિચાર કરવો તેને અલ્પબહુત્વ સંબંધી વિચારણા કહે છે.
૦ સિદ્ધના પંદર ભેદો :
અહીં કર્મક્ષયથી સિદ્ધ થયેલા એવા સિદ્ધોની વિચારણા જ ચાલે છે પણ તેમના સિદ્ધત્વની પ્રાપ્તિની દૃષ્ટિએ જીવાજીવાભિગમ, પન્નવણા આદિ આગમસૂત્રોમાં પંદર પ્રકારે તેનો ભેદો વર્ણવાયેલા છે.
(૧) તીર્થ સિદ્ધ, (૨) અતીર્થ સિદ્ધ, (૩) તીર્થકર સિદ્ધ, (૪) અતીર્થકર સિદ્ધ, (૫) સ્વયંબુધ સિદ્ધ, (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ, (૭) બુદ્ધબોધિત સિદ્ધ, (૮)
સ્ત્રીલિંગ સિદ્ધ, (૯) પુરૂષલિંગ સિદ્ધ, (૧૦) નપુંસકલિંગ સિદ્ધ, (૧૧) સ્વલિંગ સિદ્ધ, (૧૨) અન્યલિંગ સિદ્ધ, (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ, (૧૪) એક સિદ્ધ, (૧૫) અનેક સિદ્ધ.
– આ પંદર સિદ્ધભેદોનું વિવેચન પૂર્વે થઈ ગયેલ છે. જેને અતિ સંક્ષેપથી અહીં નોંધેલ છે.
(૧) તીર્થ સિદ્ધ - તીર્થની વિદ્યમાનતામાં સિદ્ધ થયેલ જીવ.
(૨) અતીર્થ સિદ્ધ - તીર્થની વિદ્યમાનતા વિના (તીર્થ સ્થાપના પૂર્વે) જે જીવ સિદ્ધ થાય છે. જેમકે મરૂદેવા માતા.
– દૃષ્ટાંત :
જ્યારે ભગવંત ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ત્યારે પુત્ર ઋષભના વિરહમાં રડી-રડીને અંધ થયેલા મરૂદેવા માતાને લઈને ચક્રવર્તી ભરત સમવસરણ તરફ ચાલ્યા. તે વખતે દેવદુંદુભિનો નાદ ધ્વનિત થઈ રહ્યો હતો. દેવોનું આવાગમન થતું હતું. ભગવંત ઋષભની અતિશયજન્ય અનન્યઋદ્ધિ વર્તતી હતી. પરમાત્માનો દિવ્ય વૈભવ તથા ધર્મકથાના શ્રવણથી રોમાંચિત થયેલા મરુદેવા માતાને આનંદના અશ્રુઓ આવી ગયા. તે અશ્રુઓથી નેત્રમાં પૂર્વે બાઝેલા પડલ ધોવાઈ ગયા. પ્રભુની વિશિષ્ટ ઋદ્ધિ અને પ્રાતિહાર્યો જોઈને મરુદેવા માતાને થયું કે મોહથી વિહળ બનેલા પ્રાણીને ધિક્કાર છે, સ્નેહને પણ ધિક્કાર છે, એ રીતે શુક્લ ધ્યાનની ધારાએ ચડેલા મરુદેવા માતાને તુરંત કેવળજ્ઞાન થયું. ત્યાં જ આયુષ્ય પૂર્ણ થતા સિદ્ધત્વને