________________
૮૬
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૧
ગયો. આ બધો ઉપકાર કોનો ? ગૌતમ સ્વામી એવા આચાર્યોનો. માટે આચાર્યને
નમસ્કાર કરવાનો કહ્યો છે.
એક આખી અવસર્પિણી કે ઉત્સર્પિણીમાં અરિહંત દેવો માત્ર ૨૪-૨૪ જ હોય. વધારે કદી ન હોય. પરંતુ સર્વક્ષેત્ર અને સર્વકાળમાં કંઈ આ ચોવીશ અરિહંતો પહોંચી શકવાના જ નથી. તેથી જગતના ઉદ્ધાર માટે કે જીવોને માર્ગે ચઢાવવા પ્રતિનિધિ તો જોઈશે જ. આ પ્રતિનિધિ તે જ આચાર્ય.
-
કોઈપણ તીર્થંકર ૮૪ લાખ પૂર્વથી વધુ આયુષ્યવાળા ન જ હોય. જ્યારે આચાર્ય વર્ગ તો અસંખ્યાત લાખ પૂર્વ સુધી રહ્યો છે. પુંડરીકસ્વામી ગણધરે (ગણધરો આચાર્ય જ કહેવાય.) સૂત્ર રચના કરી તે પચાશ લાખ સાગરોપમ સુધી ચાલી. કોના પ્રભાવે ? – આચાર્યોના – એ જ રીતે ભગવંત મહાવીરનો શાસનકાળ કેટલો ? ફક્ત ૩૦ વર્ષ તેમનું શાસન કેટલું ચાલશે ? - ૨૧,૦૦૦ વર્ષ આટલા બધા વર્ષ આ શાસન કોના પ્રભાવે ચાલશે ? – આચાર્યોના પ્રભાવે
-
માટે આચાર્યોને નમસ્કાર કરવાનું કહ્યું.
- આચાર્ય પંચાચાર પાળે અને પળાવે, ધર્મદેશના કે સૂત્રની ગુંથલી થકી લોકો પર અનુગ્રહ કરે, પ્રમાદ અને વિકથાથી રહિત હોય, કષાયના ત્યાગી હોય, ધર્મોપદેશમાં સમર્થ હોય, સારણા, વારણા, ચોયણા, પડિચોયણા વડે નિરંતર ગચ્છની સંભાળ લેતા હોય છે. આ સર્વે કારણોથી પણ તેને નમસ્કાર કરાય છે.
(છેલ્લે - આવનિ૯૯૫ની વૃત્તિ મુજબ આચાર્યને નમસ્કારનું કારણ)
આ પ્રમાણે નિશ્ચયથી વર્ણવેલો આચાર્ય નમસ્કાર મહા અર્થવાળો છે. ભાવથી કરાતો આચાર્યને નમસ્કાર જીવને હજારો ભવોથી મૂકાવે છે. વળી તે બોધિબીજના લાભને માટે થાય છે. જ્ઞાનાદિ ધનથી યુક્ત આત્માને આ નમસ્કાર દુર્ધ્યાનથી દૂર કરી ધર્મધ્યાનમાં સ્થાપનારો બને છે. મૃત્યુ સમીપ આવે ત્યારે આ નમસ્કાર વારંવાર કરાય છે, છેલ્લે દ્વાદશાંગીને બદલે માત્ર તેનું જ સ્મરણ કરાય છે. આચાર્યના કરાતો આ નમસ્કાર સર્વ પાપનો નાશક છે અને સર્વે મંગલોમાં પહેલું કે ઉત્કૃષ્ટ મંગલ રૂપ છે.
• આચાર્યને નમસ્કાર ત્રીજે પદે કેમ ?
દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વોમાં દેવતત્ત્વ સર્વ પ્રથમ હોવાથી પહેલા બે નમસ્કાર અરિહંત અને સિદ્ધ ભગવંતોને કરાયા. પછી ગુરુ તત્ત્વનો નમસ્કાર આવે. અરિહંત પરમાત્માએ મોક્ષપ્રાપ્તિ માટે જે આચારની પ્રરૂપણા કરી છે, તેનું યથાર્થપણે પાલન કરનાર અને કરાવનાર આચાર્ય છે માટે તેમનો નમસ્કાર ત્રીજે પદે કરાય છે. તીર્થંકરોની ગેરહાજરીમાં શાસનના સ્વામીપદે આચાર્યો છે. કેમકે આચાર્યોને તીર્થંકર-અરિહંતના પ્રતિનિધિ કહ્યા છે. પ્રથમ પ્રહરે તીર્થંકરો દેશના આપે, બીજા પ્રહરે ગણધરો દેશના આપે. ત્યાં દેશના તત્ત્વ તો તીર્થંકર અર્થાત્ અરિહંતનું અને ગણધર અર્થાત્ આચાર્યનું સમાન જ હોય છે. તો પણ અરિહંત પરમાત્માની હાજરીમાં આચાર્યની મહત્તા સ્થાપિત થાય, પ્રતિનિધિપણું સ્વીકૃત થાય છે. આચાર્યો પણ અરિહંતના