________________
લોગસ્સ સૂત્ર-વિવેચન
૨ ૩૩
સ્તુતિ, વંદન, પૂજા કરાયા છે તેવા ઉક્ત ઉત્તમ સિદ્ધો મને આપો. શું આપો ? આરોગ્ય-બોધિલાભ અને સર્વોત્કૃષ્ટ ભાવ સમાધિ.
• લઘુ દૃષ્ટાંત :- નાગદત્ત રાજકુમારે દીક્ષા લીધી. પૂર્વભવનો સર્પનો જીવ છે. તિર્યંચ યોનિમાંથી આવેલો છે. તેથી ઘણી જ ભૂખ લાગતી હતી. પોરસ પચ્ચકખાણ પણ કરી શકતો નથી. સવારમાં ભિક્ષા લેવા નીકળે એક ઘડો ભાત લાવે. વાપરે પછી જ તેની ભુખ શાંત થાય. પણ ગુરુ મહારાજે કહેલું કે જો તું સમભાવને ધારણ કરીશ તો તપ કર્યા જેટલું ફળ પામીશ. કોઈ વખતે માસક્ષમણના તપસ્વી મુનિ બેઠા છે, શાસનદેવતાએ કુરગડુ મુનિની પાસે આવીને વંદન કરતા કહ્યું કે, ભાવ તપસ્વીને મારી વંદના, તે વખતે માસક્ષમણના તપસ્વી મુનિએ ક્રોધથી બળખો ફેંક્યો, બળનો ભાતમાં ચોંટી ગયો. તે વખતે સમભાવના સાધક મુનિએ ભાવ સમાધિ ધારણ કરી, પણ લેશમાત્ર દ્વેષ ન કર્યો. પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા.
આવી ઉત્કૃષ્ટ ભાવસમાધિ તેને બોધિલાભ આપી ગઈ. કુરગડુ મુનિને કેવળજ્ઞાન થયું અને ભવ આરોગ્યરૂપ ભાવ આરોગ્ય પામીને કુરગડુ કેવલી મોક્ષે પધાર્યા – આવી ભાવસમાધિ, બોધિલાભ અને આરોગ્યની પ્રાપ્તિ હે સિદ્ધો મને પણ થાય તેવું કરો.
શંકા :- અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે તીર્થકર ભગવંત પાસે યાચના કે પ્રાર્થના કરીએ છીએ કે, અમને ઉપરોક્ત વસ્તુઓ આપો. તો શું તેમનામાં તે આપવાનું સામર્થ્ય છે ? આ પ્રશ્નનું સમાધાન શાસ્ત્રકાર તથા ગ્રંથકાર મહર્ષિ જુદી જુદી રીતે આપે છે.
(૧) ના, તેમનામાં તે વસ્તુ આપવાનું સામર્થ્ય નથી. પણ આ તો માત્ર ભક્તિથી જ કહેવામાં આવ્યું છે. આ “અસત્યામૃષા' નામની ભાષાનો એક પ્રકાર છે. વાસ્તવિક રીતે જોતાં તો તીર્થકરો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ જ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. તેઓ તો “ક્ષીણ રાગદ્વેષા' છે. તેઓ કશું આપી શકતા નથી - આપતા પણ નથી, તેઓ તો જ્ઞાન-દર્શન અને ચારિત્રની સંપ્રાપ્તિનો ઉપદેશ આપે છે. પરંતુ તીર્થકર સંબંધી હેતુભૂત એવી અંતઃકરણ પ્રણિધાન લક્ષણા ભક્તિ વડે જ પૂર્વસંચિત અનેક ભવના કર્મો ક્ષય પામે છે અને જિનવરની ભક્તિથી જ આરોગ્ય, બોધિલાભ, સમાધિની પ્રાપ્તિ થાય છે. ભક્તિથી કર્મક્ષીણ થતાં સર્વ કલ્યાણ પણ થાય છે.
(૨) જો કે વીતરાગ ભગવંતો રાગાદિ રહિત હોવાથી આરોગ્ય આદિ આપતા નથી, તો પણ આવા પ્રકારના વાક્ય પ્રયોગથી પ્રવચનની આરાધના થવાથી સન્માર્ગમાં રહેલા મહાસત્ત્વશાળી આત્માને તેમની સત્તાના કારણે જ તે-તે વસ્તુની પ્રાપ્તિ થાય છે.
(૩) આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૦૯૮માં “સમાધિ' શબ્દનો અર્થ સમાધિમરણ' કર્યો છે જે નોંધનીય છે.
(૪) ધર્મસંગ્રહણીવૃત્તિ – “આરોગ્ય, બોધિલાભ એ વાક્યો નિષ્ફળ નથી. આરોગ્ય આદિ વસ્તુ તત્ત્વથી ભગવંત દ્વારા જ અપાય છે. કેમકે તેઓ જ તથાવિધ વિશુદ્ધ અધ્યવસાયના હેતુ છે.
૦ આરોગ્ય આદિ પદને શું નિદાન કહેવાય ?