________________
૨૨૨
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૧ માટે નવા મેઘસમાન અર્થાત્ જેમ નવીન મેઘ જોઈને મયૂરો નાચી ઉઠે છે તેમ અરિહંતો સ્વર્ગ-પાતાળ અને પૃથ્વી પર રહેનારા સર્વ કોઈ માટે પ્રમોદના કારણરૂપ છે. (૩) અરિહંતોને હસ્તિ-મલ્લની ઉપમા આપેલી છે. જેમ હસ્તિ-મલ્લ મોટા-મોટા વૃક્ષોને ઉખેડી નાખે છે, તેમ અરિહંતો પણ કર્મરૂપી મહાવૃક્ષને ઉખેડી નાંખવામાં હાથી સમાન છે.
(૨૦) મુનિસુવ્રત :- ભરતક્ષેત્રની આ ચોવીસીના વશમાં તીર્થકર :
૦ સામાન્ય અર્થ :- જગતની ત્રણે કાળની અવસ્થાને જાણે (અવસ્થાનું મનન કરે) તે મુનિ, સુંદર વ્રતોને ધારણ કરે તે સુવત. મુનિ હોવા સાથે સુવ્રતી હોય તે મુનિસુવ્રત કહેવાય છે. સામાન્યથી દરેક અરિહંત સર્વ ભાવોને જાણતા હોવાથી તેમજ સમ્યક્ વ્રતી હોવાથી મુનિસુવ્રત કહેવાય.
૦ વિશેષ અર્થ :- ભગવંત ગર્ભમાં આવ્યા પછી ભગવંતની માતા અત્યંત સુવ્રત (સમ્યક્તયા વ્રત સંપન્ન) બન્યા તેથી ભગવંતનું મુનિસુવ્રત એવું નામ રાખ્યું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૨ :
૦ વાચ્યાર્થ :- સંસારના પ્રાણીઓની મહામોહરૂપી નિદ્રા ઉડાડવા માટે પ્રાત:કાલ જેવા મુનિસુવ્રત નાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ.
૦ રહસ્યાર્થ :- આ સ્તુતિમાં અરિહંતોની ધર્મ દેશનાની પ્રશંસા કરતા કહ્યું છે કે જેમ પ્રાતઃકાલ થવાથી નિદ્રા ઉડી જાય છે, તેમ અરિહંતોની ધર્મદેશના એવી હોય છે કે, પ્રબલ મોહનીય કર્મનો ઉદય – ગાઢ મિથ્યાત્વ, અતિ ક્રોધ, અતિ માન, અતિ માયા, અતિ લોભ ઇત્યાદિના સંસ્કારોનો નાશ કરી દે છે. તેને બદલે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકયને ભરી દે છે.
(૨૧) નમિ :- ભરતક્ષેત્રની આ ચોવીસીના એકવીસમાં તીર્થકર :૦ સામાન્ય અર્થ :- પરીષહ ઉપસર્ગાદિને નમાવવાથી “નમિ' કહ્યા.
– ઉત્તમ ગુણોના સમુહથી પૂજ્ય હોવાના કારણે ત્રિભુવનપતિ પરમાત્માના ચરણોમાં દેવો અને અસુરો નમ્યા તેથી ભગવાન “નમિ' કહેવાયા.
– ઉક્ત બંને અર્થો સર્વે અરિહંતોમાં સામાન્ય છે તેથી અરિહંતો “નમિ' કહેવાય છે.
૦ વિશેષ અર્થ :- દુર્દાન્ત એવા સીમાડાઓના રાજાઓએ મિથિલા નગરીને ઘેરો ઘાલ્યો હતો. વિજય રાજા ચારે તરફથી ઘેરાઈ ગયા હતા. પણ જ્યારે ભગવંત માતા વપ્રારાણીની કુક્ષિમાં આવ્યા ત્યારે ગર્ભના પુન્યપ્રભાવથી પ્રેરાઈને માતાને અટ્ટાલિકા પર ચઢવાની ઇચ્છા થઈ, તેણી અટ્ટાલિકાએ ચડ્યા ત્યારે સર્વે શત્રુ રાજાઓએ તેણીને જોયા. તેમને જોતાંની સાથે જ ગર્ભના પ્રભાવથી સર્વે રાજા નમી પડ્યા. તેથી ભગવંતનું નામ “નમિ' રખાયું.
– સકલાર્હત્ સ્તોત્ર ગાથા-૨૩ :
૦ વાચ્યાર્થ :- નમસ્કાર કરનારાઓના મસ્તક પર ફરકી રહેલા તેમજ જલપ્રવાહોની જેમ નિર્મળતાના કારણભૂત એવા નમિનાથપ્રભુના પગનાં નખના કિરણો તમારું રક્ષણ કરો.