________________
નવકાર મંત્ર-“નમો” એટલે શું ?
નિપાત એટલે અનેક અર્થોમાં પ્રયોજાય છે. “નમ" અવ્યય નમસ્કાર, અર્ચા, પૂજા, સેવા ઇત્યાદિ અનેક અર્થમાં વપરાય છે. આ નમસ્કાર દ્રવ્ય-ભાવ સંકોચ અર્થમાં છે. દ્રવ્યથી સંકોચ અર્થાત્ હાથ-પગ-મસ્તકાદિનો સંકોચ અને ભાવ સંકોચ અર્થાત્ વિશુદ્ધ મનનો નિયોગ. જેમકે - શાંબ અને પાલક બંનેએ ભગવંતને વંદન કર્યું. પણ તેમાં પાલકે જે વંદન કર્યું તે દ્રવ્યથી સંકોચ હતો પણ ભાવથી ન હતો કેમકે તેણે તો ફક્ત અશ્વરત્ન પ્રાપ્ત કરવા વંદન કરેલું હતું. જ્યારે અનુત્તરવાસી દેવો જે નમન-વંદન કરે છે, તે ભાવસંકોચ રૂપ અવશ્ય હોય છે, પણ દ્રવ્યસંકોચ રૂપ નથી હોતો કેમકે તેઓ શચ્યામાં સુતા-સુતા જ વંદન-નમન કરે છે. જ્યારે શાંબકુમારે જે વંદન કર્યું તેમાં દ્રવ્યથી અને ભાવથી બંને પ્રકારે વંદન-નમન કરાયેલ હતું. દ્રવ્યથી તેણે શરીર સંકોચરૂપ વંદન વિધિ પણ સાચવી અને ભાવથી મનની વિશુદ્ધિ પણ જાળવેલી.
આ રીતે જે ભાવ નમસ્કાર છે, તે મુખ્ય છે. જ્યારે દ્રવ્ય નમસ્કાર એ ભાવ નમસ્કારની શુદ્ધિ નિમિત્તે છે તે પ્રમાણે નિર્યુક્તિમાં કહેલું છે.
આ નમસ્કાર કે પ્રણામ પણ ઘણાં પ્રકારે છે. જેમકે હાસ્યથી, વિનયથી, પ્રેમથી, પ્રભુતાથી અને ભાવથી. જેમાં મશ્કરી માટે થાય તે હાસ્ય પ્રણામ કહેવાય. વડીલોને થાય તે વિનય પ્રણામ કહેવાય, મિત્ર આદિને કરાય તે પ્રેમ પ્રણામ કહેવાય, રાજા વગેરેને થાય તે પ્રભુતા પ્રણામ કહેવાય અને દેવ-ગુરુને થાય તે ભાવ પ્રણામ કહેવાય.
જો કે ભાવ સંકોચ (ભાવ નમસ્કાર કે ભાવ પ્રણામ) પૂર્વક જ દ્રવ્ય સંકોચ (દ્રવ્ય નમસ્કાર)ની મહત્તા કહેલી છે. તો પણ વિધિના બહુમાન અને આદર માટે, તથા યથાયોગ્ય ક્રિયા માટે દ્રવ્ય નમસ્કાર જરૂરી જ છે. જેમકે આવશ્યક ક્રિયા અવસરે બે હાથની અંજલિ જોડી, મસ્તક સહેજ નમાવીને અને બે પગ વચ્ચે આગળથી ચાર આંગળ અને એડીના ભાગે ચાર આંગળથી કંઈક ન્યૂન અંતર રાખી ઉભા રહી અંજલિબદ્ધ નમસ્કાર કરાય છે, તે દ્રવ્ય નમસ્કારનું એક દૃષ્ટાંત છે.
- તો પછી ભાવ નમસ્કાર (ભાવ સંકોચ) કઈ રીતે થાય ? (યોગ દૃષ્ટિ સમુચ્ચય-પહેલી યોગદૃષ્ટિમાં શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે-) જે - (૧) અત્યંત ઉપાદેય બુદ્ધિથી અર્થાત્ જગના બીજા કોઈ પણ કાર્ય કરતા આ અરિહંતાદિને નમસ્કાર એ અત્યંત કરણીય છે. આદરણીય કાર્ય છે તેમ માની નમસ્કાર કરવો. (૨) સંજ્ઞાઓના નિગ્રહપૂર્વક નમસ્કાર કરવો અર્થાત્ ક્રોધાદિ ચાર સંજ્ઞા, આહારાદિ ચાર સંજ્ઞા અને ઓઘ અને લોક એ બે-એમ દશે સંજ્ઞાઓના નિગ્રહપૂર્વક નમસ્કાર કરવો અને (૩) સાંસારિક કોઈ પણ ફળની ઈચ્છા કે અપેક્ષા વિના નમસ્કાર કરવો. આ ત્રણ પ્રકારે કરાયેલ નમસ્કાર એ ભાવ નમસ્કાર છે. (જો કે આવો ભાવ નમસ્કાર તથાભવ્યત્વનો પરિપાક થયો હોય ત્યારે થઈ શકે.)
આ નમસ્કાર (નમો) એ નમ્રતાનું ચિહ્ન છે. ભક્તિની નિશાની છે અને કૃતજ્ઞતાનો સંકેત છે. આદર અને સન્માનની લાગણી પ્રદર્શિત કરવાનું સમુચિત સાધન છે. તેથી જ વ્યવહારના અને ધર્મના ક્ષેત્રમાં તે આદરણીય સ્થાન પામેલ છે. શ્રી