________________
તસ્યઉત્તરી સૂત્ર-વિવેચન
૧૬૯
આ રીતે તસ એ અનુસંધાન પદને બે રીતે વિચારવું યોગ્ય છે.
• ઉત્તરીકરણ :- ચાર કરણોમાંની આ પહેલું કરણ છે. કરણ એટલે ક્રિયાને સાધ્ય કરનારું સાધન. ઉત્તરીકરણ એટલે પુનઃ સંસ્કરણ અથવા વિશેષ કરીને શુદ્ધિ કરવી તે.
– અનુત્તરક્રિયાને ઉત્તર કરનારું કરણ, તે “ઉત્તરીકરણ”. જેમાં ઉત્તર શબ્દનો અર્થ સારું કે સુંદર, અનુ કે પશ્ચાત્ અથવા ઉર્ધ્વ કે ઉપરાંત એવો થાય છે. એ રીતે ઉત્તરીકરણ શબ્દ જે ક્રિયા અસુંદર કે અપૂર્ણ હતી અથવા તો પૂર્વે થઈ ન હતી પણ હવે પછી થનારી છે અથવા પૂર્વે થઈ તેના ઉપરાંત કે તેનાથી વધુ સારી થવાની છે. તેને સિદ્ધ કરનારા સાધનનો અર્થ દર્શાવે છે.
– આવશ્યક સૂત્ર પરની નિર્યુક્તિ-૧૫૦૭માં ઉત્તરીકરણ શબ્દની વિવૃત્તિ કરતા જણાવે છે કે – ઉત્તરગુણો સાથેના મૂલગુણોની ખંડના અને વિરાધનાનું ઉત્તરકરણ કરાય છે. જેમ ગાડાનાં પૈડાંની ધરી અને આરા વગેરે અંગો તૂટી જતાં તેનું તથા ઘર વગેરેનું સમારકામ કરાય છે તેમ અહીં ખંડના-વિરાધનાનું ઉત્તરીકરણ કરાય છે.
– આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિમાં ઉત્તરકરણનો અર્થ પુનઃસંસ્કરણ કર્યો છે. ત્યાં લખે છે કે “તેનું આલોચના આદિ વડે પુનઃસંસ્કરણ કરાય છે. ઉત્તર એવું તે કરણ તે ઉત્તરકરણ, અનુત્તરને ઉત્તર કરવું તે ઉત્તરીકરણ.
– યોગશાસ્ત્ર પ્રકાશ-૩ આલોચના અને પ્રતિક્રમણ પછી કાઉસ્સગ્ન રૂપ કરાતું કાર્ય તે ઉત્તરકરણ.
– ઉત્તરીકરણ એટલે ઉત્તર ક્રિયા. ઉપાયરૂપ ક્રિયા. જે પહેલા કરાય તેને પૂર્વકરણ કહે છે અને પછી કરાય તે ઉત્તરકરણ કહેવાય છે. અહીં પૂર્વ અને ઉત્તર શબ્દનો અર્થ સાપેક્ષ છે. જે એકબીજાનું આગળ-પાછળપણું દર્શાવે છે. પાપ કે વિરાધના આદિ પૂર્વકરણ છે. તેના નિવારણ માટે જે ઉચિત ક્રિયા કે વિધિ કરાય તે ઉત્તરીકરણ છે.
૦ આ ઉત્તરીકરણ થાય કઈ રીતે ? પ્રાયશ્ચિત્ત કરવા વડે.
પાયચ્છિત્તકરણ – પ્રાયશ્ચિત્ત કરવાથી. પ્રાયશ્ચિત્ત એ જ કરણ.
– આવશ્યક સૂત્ર-૩૯ની વૃત્તિ :- સામાયિક આદિથી પ્રતિક્રમણ પર્યન્ત જે વિશુદ્ધ કર્તવ્ય તે મૂલકરણ છે. અર્થાત્ પ્રતિક્રમણની ક્રિયામાં જે પહેલા ચાર આવશ્યક છે – (૧) સામાયિક, (૨) ચતુર્વિશતિ સ્તવ, (૩) વંદન, (૪) પ્રતિક્રમણ એ ચારની ક્રિયા તે મૂલ કરણ છે. તેમજ ઇર્યાપથ પ્રતિક્રમણની દૃષ્ટિએ આલોચના અને પ્રતિક્રમણ તે મૂલકરણ છે. અહીં પુનઃ ઉત્તરકરણ તે પ્રાયશ્ચિત્તકરણ છે.
– પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ આવશ્યક નિર્યુક્તિ-૧૫૦૮માં જણાવે છે – પાપ એટલે કર્મ તે પાપનું છેદન જે કારણથી થાય તેને પ્રાકૃતશૈલીથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. સંસ્કૃતમાં પણ પાપનું છેદન તે પાપચ્છિદ કહેવાય છે. પ્રાયઃ ચિત્ત અર્થાત્ જીવનું શોધન અર્થાત્ મલિન કર્મોનું વિમલીકરણ થાય છે. તેથી તેને પ્રાયશ્ચિત્ત કહેવાય છે.
– પ્રાયઃ અર્થાત્ બહુલતાથી ચિત્તનું પોતાનું સ્વરૂપ જેમાં પ્રાપ્ત થાય તે પ્રાયશ્ચિત્ત.