________________
ઇરિયાવહી સૂઝ-વિવેચન
૧૫૯
તેથી બીજા પ્રકારે પણ ઈર્યાપથની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, ઈર્યાપથ એટલે “સાધુનો આચાર''. એ આચરણને અંગે નદી પાર ઉતરવી, નિદ્રામાંથી ઉઠવું, પ્રતિલેખનાદિકમાં કાજો લેવો ઇત્યાદિ અનેક કારણોથી સાધુ આચારમાં જે ત્રુટિ આવે. તેના કારણે વિરાધના થાય છે. તે સર્વ સાધુ-આચારને પણ ઈર્યાપથ કહ્યો છે. -૦- વિરાહણાએ વિરાધનાથી. તે સંબંધી લાગેલા અતિચારથી.
-
વિરાધના શબ્દના વિવિધ અર્થો આગમોમાં જોવા મળે છે. તેમાં આવશ્યક સૂત્ર-વૃત્તિકારે ઇરિયાવહી સૂત્રમાં વિરાધના શબ્દનો અર્થ કર્યો છે—' જેના વડે પ્રાણીઓ દુઃખમાં મૂકાય, તે વિરાધના (ક્રિયા), ત્યાં વૃત્તિકાર આગળ જણાવે છે કે, આ વિરાધના થકી લાગેલા જે અતિચાર એમ વાક્ય અહીં વિરાધના શબ્દથી સમજી લેવું.
વિરાધના બે પ્રકારે જાણવી – (૧) આરાધનાના અભાવ રૂપ (૨) આરાધનામાં ક્ષતિ કે ત્રુટિ રૂપ. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગની ઉપાસના કરવી તે અથવા સંયમ માર્ગનું યથાસૂત્ર, યથાવિધિ પાલન કરવું તેને આરાધના કહે છે. આ પ્રકારે આરાધના જેટલે અંશે ન થાય તેને વિરાધના કહે છે અથવા તો વિકૃત થયેલી આરાધનાને અર્થાત્ ક્ષતિ કે ભૂલ કે ત્રુટિ જેમાં રહી હોય તે આરાધનાને પણ વિરાધના કહેવાય છે. આ વિરાધના શાસ્ત્રીય રીતે ચાર પ્રકારે વિચારાય છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર.
આરાધનાના ભંગ કે વિરાધના માટે કોઈ પ્રેરણા કરે અને પોતે તેનો નિષેધ ન કરે, તે અતિક્રમ કહેવાય. વિરાધના માટેની તૈયારી તે વ્યતિક્રમ કહેવાય. જેમાં કંઈક અંશે દોષનું સેવન થાય તે અતિચાર કહેવાય અને જેમાં સંપૂર્ણપણે ભંગ થાય અથવા આરાધના રહે જ નહીં તે અનાચાર કહેવાય.
૦ યોગશાસ્ત્ર પ્રકાશ-૩માં જણાવે છે કે સાધુઓના આચારનું ઉલ્લંઘન એટલે કે પ્રાણીઓના પ્રાણનો વિયોગ કરવો, અસત્યભાષણ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ ઇત્યાદિમાં પ્રાણાતિપાતનું પાપ સર્વથી મોટું ગણાય છે. બાકીના પાપસ્થાનકો તો તેમાં આડકતરી રીતે સમાઈ જાય છે. તેથી આ સૂત્રમાં પ્રાણાતિપાત વિરાધના સંબંધી વિસ્તારથી જણાવેલો છે. આગળ કયા કારણોથી વિરાધના થાય તે જણાવે છે— ગમણાગમણે :- ગમન અને આગમનમાં, જવા અને આવવામાં.
પ્રયોજન હોય ત્યારે જવું અને તે પૂર્ણ થયે પાછા આવવું. આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે જવા આવવાની ક્રિયા દરમ્યાન થયેલ વિરાધનાના વિષયને સ્પષ્ટતયા સમજાવવા. આ શબ્દનો પ્રયોગ કરાયેલ છે. ગમન અને આગમન એ એક સમાન ભાવ છે. તેમાં થયેલ વિરાધનાજન્ય અતિચાર તે “ગમનાગમન'. તેમાં સ્વાધ્યાય આદિ નિમિત્તે (સ્વાધ્યાય, ગૌચરી, સ્પંડિલ, જિનદર્શન ઇત્યાદિ) વસતિ-સ્વસ્થાનથી બહાર જવું અને જે કાર્ય અર્થે બહાર ગયેલા હોઈએ તે કાર્ય કે હેતુ પૂર્ણ થાય ત્યારે વસતિમાં પાછા આવી જવું તે ગમનાગમન
અહીં ઇરિયાવહિ અને ગમનાગમન શબ્દો સમાનાર્થી લાગતા હોવા છતાં તે સૂત્રમાં મૂકાયા છે તે હેતુપૂર્વક છે. કેમકે પ્રથમ “ઇર્યાપથ વિરાધના' મૂક્યું તે