________________
પંચિંદિય સૂત્ર-વિવેચન
૧૨૩ ગુણવાનું છું એવું તે માને છે. આવી માન્યતા તે માન, બીજાની ઇર્ષ્યા કરવી અને પોતાનો ઉત્કર્ષ બતાવવો તે માન છે.
- માનના પણ (ક્રોધની માફક) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે.
-૦- માયા :- માયાનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે.
– માયા એટલે લુચ્ચાઈ, કપટ, દગો કે અન્યને છેતરવાની વૃત્તિ. તત્ત્વાર્થ ભાષ્યમાં તેને માટે પ્રસિધિ, ઉપધિ, નિકૃતિ, આચરણ, વંચના, દંભ, કૂટ, અતિસંધાન, અનાર્જવ આદિ પર્યાય શબ્દો વપરાયેલ છે.
– માયા મોહનીય કર્મના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ તે માયા, વંચનાદિ અર્થમાં જે કરાય છે તે માયા છે.
- માયાના પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે.
-૦- લોભ :- લોભનો ઉલ્લેખ પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) સંજ્ઞારૂપે, મૃષાના એક ભેદરૂપે અને એક કષાયરૂપે પણ થાય છે.
– લોભ એટલે તૃષ્ણા, લાલસા, અસંતોષ કે વધુમાં વધુ લેવાની વૃત્તિ, તત્ત્વાર્થભાષ્યમાં તેને માટે પર્યાયરૂપે લાલચ, રાગ, ગૃદ્ધિ, ઇચ્છા, મૂછ, સ્નેહ, કાંક્ષા, અભિવૃંગ-આસક્તિ શબ્દો જણાવેલ છે.
– લોભ મોહનીયકર્મના ઉદયથી પ્રાપ્ત જીવની પરિણતિ વિશેષ તે લોભ તે અતિગૃદ્ધિ, આસક્તિપણું કે જેના વડે લોભાય તે રૂપે ઓળખાય છે.
– લોભના પણ (ક્રોધમાં જણાવ્યા મુજબ) અનંતાનુબંધી આદિ ચાર ભેદ છે.
-૦- અનંતાનુબંધી આદિ ચાર ભેદ :- ક્રોધ, માન, માયા અને લોભ આ ચારે કષાયોના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ચારચાર પેટા ભેદો કહ્યા છે. એ રીતે કષાયના ૧૬ ભેદ થાય છે. આ વાતનો ઉલ્લેખ ચારિત્ર મોહનીય કર્મના કષાય ચારિત્ર મોહનીયની ૧૬ ઉત્તર પ્રકૃતિરૂપે મળે જ છે. તે ચારે આ પ્રમાણે
-૦- અનંતાનુબંધી કષાય :- જેને લીધે જીવને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે તે કર્મ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર પ્રકારે છે.
– અનંતાનુબંધી કષાયથી સમ્યગ દર્શનનો ઉપઘાત થાય છે. તેનો ઉદય હોય ત્યારે સમ્યગદર્શન ઉત્પન્ન થતું નથી.
– અનંતાનુબંધી કષાય (ઉત્કૃષ્ટથી) જાવજીવ સુધી રહે છે. તે નરકગતિને આપનારો છે. ત્રણે ભુવનમાં અનંતા જન્મોનો બંધ કરાવતા હોવાથી ક્રોધાદિ ચારેને અનંતાનુબંધી કહ્યા છે.
-૦- અપ્રત્યાખ્યાન કષાય :- જે કર્મોના ઉદયથી આવિર્ભાવ પામતા કષાયો વિરતિનો પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હોય છે. તેને અપ્રત્યાખ્યાની ક્રોધાદિ કહે છે.