________________
સાત નયનું સ્વરૂપ
શ્રી જૈનશાસનમાં આચાર્ય ભગવંતોએ તત્ત્વને યથાર્થરૂપે સમજવા માટે બે ઉપાય બતાવ્યા છે. પ્રમાણ અને નય. તત્ત્વાર્થસૂત્રમાં વાચક શ્રીઉમાસ્વાતિજીએ નયોને પ્રમાણ સમકક્ષ સ્થાન આપ્યું છે. પ્રમાણની જેમ નય પણ તત્ત્વાર્થના અધિગમનો ઉપાય છે. દર્શનશાસ્ત્રમાં પરીક્ષા માટે ‘પ્રમાણને ખૂબજ આવશ્યક માન્યું છે. વસ્તુતત્ત્વની પરીક્ષામાં પ્રમાણ જ્યાં ઉપયોગી છે ત્યાં નય સૂક્ષ્મ સૂક્ષ્મતમ સ્વરૂપને સમજવામાં સહાયક થાય છે.
પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ અનંતધર્માત્મક છે. વસ્તુતત્ત્વના અનંત ધર્મોનું એક સાથે જ્ઞાન કરવું છદ્મસ્થની સીમિત જ્ઞાનશક્તિથી પર છે. છદ્મસ્થ જ્ઞાતાના પ્રત્યેક બોધ અને પ્રત્યેક વચન નયની સહાયતાથી જ બોધજનક થાય છે. એટલે જ કહ્યું છે કે- ‘જેટલા નયવાદ છે એટલા વચનપથ છે. એટલા માટે જ વસ્તુતત્ત્વના જુદા જુદા પરિમાણને યથાતથ સમજવા માટે નયજ્ઞાન અતીવ આવશ્યક છે.
અનંતધર્માત્મક વસ્તુતત્ત્વના કોઈ એક ધર્મના પ્રાધાન્ય સાથે અભિપ્રાય રાખતી દષ્ટિ નય' કહેવાય છે. સામાન્ય રીતે નયના સાત પ્રકાર છે.
નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવંભૂતનય.
(૧) નૈગમનય
નૈગમનય વસ્તુતત્ત્વના વિભિન્ન અંશોને ગૌણમુખ્ય ભાવથી ગ્રહણ કરનારી દૃષ્ટિ છે. આ અર્થગ્રાહી નય છે. મોટે ભાગે લોકમાં પ્રચલિત ઔપચારિક વ્યવહાર આ નયના આધારે પ્રવૃત્ત થાય છે. પંકજ નામના ફૂલનો અન્ય ફૂલો પર ઉપચાર કરવો નૈગમનયથી સંભવ છે.
(૨) સંગ્રહનય
સંગ્રહનય વસ્તુતત્ત્વના સત્ કે અનુસ્મૃત ધર્મનો સંગ્રહ કરે છે. આકારાદિથી જુદા જુદા પદાર્થોમાં સમાનતા અને એકતા શોધવી એ સંગ્રહનયનું કાર્ય છે. ‘નાતો પવન જેવા ન્યાય સંગ્રહનયની દૃષ્ટિ છે. સમૂહાંતર્ગત પ્રત્યેક પંકજોને એક રૂપથી જાણવા એ સંગ્રહાય છે. આ પણ અર્થગ્રાહી નય છે. વિશેષરૂપથી દ્રવ્ય અંશનો ગ્રાહક છે. (દ્રવ્ય = સમવાયી કારણ)