________________
નિયાગાષ્ટક - ૨૮
જ્ઞાનસાર
તેનાથી વ્યાપ્ત બનેલા, તે સહજાનંદ સ્વરૂપમાં જ એકાગ્ર થયેલા એવા જે મહાત્મા છે તે પાપોથી લેપાતા નથી.
036
(૮) નિયાપ્રતિપત્તિમાન્ = નિયાગ એટલે કર્મોને બાળી નાખવા રૂપ હોમહવન કરવું તે નિયાગ. તેને સ્વીકારનારા આવા પ્રકારના કર્મોને બાળવા રૂપ નિયાગને કરનારા મુનિ ક્યારેય પાપોથી લેપાતા નથી.
ઉપરની બન્ને ગાથામાં કહેલાં આઠ વિશેષણોવાળા મુનિરૂપ શ્રમણાવસ્થામય બ્રાહ્મણ ક્યારેય પાપોથી લેપાતા નથી. આ કારણથી જ ઉત્તમ આત્માર્થી જીવોએ એટલે કે મુમુક્ષુ મહાત્માઓએ પોતપોતાના આત્મસ્વરૂપનું જ જ્ઞાન કરવામાં, તેની જ અવિચલ શ્રદ્ધા કરવામાં અને તે સ્વરૂપમાં જ રમણતા ક૨વામાં ઉદ્યમશીલ થવું જોઈએ. આવા ઉદ્યમવાળા જીવો અનાદિકાલથી આત્માને લાગેલાં જે શુભાશુભ કર્મપટલ છે. તેનો ક્ષય કરીને સિદ્ધ-બુદ્ધનિરંજન-નિરાકાર થયા છતા સ્વાભાવિક પોતાના જ અનંત ગુણોના ભોક્તા બન્યા છતા પરમ આનંદમય બને છે.
આ રીતે આત્મતત્ત્વની સાધના કરનારા જીવે કર્મોને જ્ઞાન-અગ્નિમાં બાળવા રૂપ ભાવનિયાગ જ કરવો જોઈએ પણ નિઃસહાય, લાચાર, પરાધીન અને વાચા વિનાના પશુઓને હોમીને હિંસાત્મક નિયાગ કરવો તે યોગ્ય નથી. જો પશુ-હિંસાદિથી સ્વર્ગે જવાતું હોત તો નરકમાં કોના વડે જવાય ? માટે આવો યજ્ઞ ત્યાજ્ય છે અને ભાવનિયાગ કર્તવ્ય છે. આમ ગ્રંથકારશ્રીના કથનનો સાર છે. આ પ્રમાણે અઠ્ઠાવીસમા નિયાગાષ્ટકનું વિવેચન સમાપ્ત થયું. ॥૮॥
અઠ્ઠાવીસમું નિયાગાષ્ટક સમાપ્ત