________________
જ્ઞાનમંજરી યોગાષ્ટક - ૨૭
૭૩૩ જોઈએ પણ આ મૂર્તભાવોનું રસિકપણું મને ઉપયોગી નથી તે મૂર્તિ પદાર્થ રાગાદિ વિભાવ કરાવનારો છે. મૂર્ત એવાં કોઈ પણ દ્રવ્યો તે પરદ્રવ્યો છે.
અહીં જો કે વીતરાગ-પરમાત્માની મુદ્રાદિનું આલંબન શુભ છે. તો પણ તે આલંબન ઔદયિકભાવનું છે. માટે તત્ત્વથી આલંબન લેવા યોગ્ય નથી. વીતરાગ પરમાત્માનું ચોત્રીસ અતિશયોવાળું, છત્ર-ચામરાદિથી વિભૂષિત સ્વરૂપ એ તો પુણ્યાઈ માત્ર છે. કંઈ આત્માનું સ્વરૂપ નથી, મારે તો આત્માના ગુણોનું આલંબન લેવું જોઈએ. એ જ ઉત્તમ આલંબન છે. હું તો ગુણોનો અર્થી છું પણ વિભૂતિનો અર્થ નથી, માટે મારે ગુણાવલંબી બનવું જોઈએ. આવા વિચારો કરીને પુણ્યાઈજન્ય છત્ર-ચામરાદિ મૂર્ત ભાવોને આ આત્મા રસિકપણે ગ્રહણ કરતો નથી. પરંતુ પરમાત્મા આવી ઉત્કૃષ્ટ પુણ્યાવાળા હતા, છતાં રાગાદિભાવ વિનાના વિતરાગ હતા એમ સાપેક્ષપણે જ વિભૂતિને દેખે છે. પરમાત્માની આ વિભૂતિ તેમના આત્મદ્રવ્યથી પર છે અંતે હેય છે આમ સમજીને દેખે છે. આ જીવની બીજી પરાવૃત્તિ થાય છે. શુભમૂર્તના આલંબનને છોડીને અમૂર્ત એવા ગુણોના આલંબનવાળો બને છે. આ બીજી પરાવૃત્તિ.
અશુભ મૂર્ત ઉપરથી શુભ મૂર્ત ઉપર ગયો તે પ્રથમ પરાવૃત્તિ અને શુભ મૂર્ત ઉપરથી પરમાત્માના અમૂર્ત ગુણોના આલંબનવાળો બન્યો - આ બીજી પરાવૃત્તિ છે. હવે બીજી પરાવૃત્તિમાંથી ત્રીજી પરવૃત્તિ થાય છે તે સમજાવાય છે.
પરમાત્માના અમૂર્ત એવા ગુણોનું જે આલંબન છે તેના ઉપર આવ્યા પછી આ જીવ આવો વિચાર વિશેષ કરે છે કે તે ગુણો અવશ્ય આલંબનીય છે. વીતરાગ પરમાત્માના છે. શુદ્ધ દ્રવ્યના છે છતાં મારા આત્માથી પરદ્રવ્યના અર્થાત્ અન્ય દ્રવ્યના છે. કોઈપણ અન્ય દ્રવ્યના ગુણો અન્ય દ્રવ્યમાં જતા નથી. માટે મારે મારા જ આત્માના ગુણોના આલંબનના રસિક બનવું જોઈએ, મારા માથાનો કચરો સાફ કરવા માટે હું બાથરૂમના કાચનો ભલે આધાર લઉં અને કાચમાં દેખાતા માથાના પ્રતિબિંબને જોઈને પણ છેવટે કચરો તો મારે મારા જ માથાનો કાઢવાનો છે. કાચમાં દેખાતા પ્રતિબિંબવાળા માથાનો નહીં, તે તો પરદ્રવ્ય છે. તેને સાફ કરવાથી મારું માથું સાફ થતું નથી. આ ઉદાહરણની જેમ પરમાત્માને જોઈ જોઈને પરમાત્માના ગુણોના આલંબન ઉપરથી પોતાના આત્માના અમૂર્ત ગુણોના આલંબનવાળો આ જીવ જે બને છે તે ત્રીજી પરાવૃત્તિ જાણવી.
આ રીતે પરમેષ્ઠિનું શુદ્ધ ક્ષાયિકભાવનું નિર્મળ જે સ્વરૂપ છે તેનું બાથરૂમના કાચમાં દેખાતા માથાના પ્રતિબિંબની જેમ કારણ તરીકે આલંબન લઈને આવા જ પ્રકારનું ક્ષાયિકભાવનું શુદ્ધ નિર્મળ મારું સ્વરૂપ મારે સાધ્ય તરીકે સાધવાનું છે. આમ સ્વકીય