________________
(3) સર્વવિરત અદત્તાદાન વિરમણ વ્રત (અસ્તેય મહાવત) - આ વ્રતયુક્ત શ્રમણ કોઈપણ નહિ આપેલ વસ્તુને ગ્રહણ કરતા નથી. તેઓ અનુમતિ વિના એક તૃણને ઉઠાવવાને પણ ચોરી માને છે. ભિક્ષામાં પણ પોતાની જરૂરિયાત કરતાં વધારે વસ્તુ લેવી એ પણ વ્રતનાં ભંગ સમાન માને છે." (૪) સર્વવિરત મૈથુન વિરમણ વ્રત (બ્રહ્મચર્ય મહાવ્રત)
શ્રમણ માટે મૈથુનનો સંપૂર્ણ ત્યાગ અનિવાર્ય છે. તેઓ મન-વચન-કાયાથી શુદ્ધ અને સંપૂર્ણ પાલન કરે છે. અબ્રહ્મચર્યમાં જીવહિંસા રહેલી છે. એટલું જ નહિ, આત્મોન્નતિમાં તે બાધક છે. હિંસાદિ દોષો અને કલહ-સંઘર્ષ-વિગ્રહનો જન્મ થાય છે. આ બધું સમજીને નિગ્રંથ મુનિ મૈથુનનો સર્વથા ત્યાગ કરે છે.૨૨ (૫) અપરિગ્રહ મહાવતઃ
સર્વવિરત શ્રમણ માટે સર્વ પરિગ્રહ વિરમણ પણ અનિવાર્ય છે. કોઈપણ વસ્તુનો મમત્વમૂલક સંગ્રહ પરિગ્રહ છે. શ્રમણ પૂર્ણપણે અનાસક્ત અને અકિંચન હોય છે. એટલું જ નહિ, તે પોતાના શરીર ઉપર પણ મમત્વ રાખતા નથી. મમત્વ અથવા આસક્તિ આંતરિક ગ્રંથિ છે. જે સાધન આ ગ્રંથિનું છેદન કરે છે તે નિર્ગથ મુનિ કહેવાય છે. (૬) રાત્રિભોજન ત્યાગ :
સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અર્થાત રાત્રિ દરમ્યાન શ્રમણ સર્વ પ્રકારનાં આહારનો પૂર્ણપણે ત્યાગ કરે છે તેને રાત્રિભોજન વિરમણ વ્રત કહે છે. દશવૈકાલિક સૂત્રના ષડજીવનિકાય નામના ચોથા અધ્યયનમાં પાંચ મહાવ્રતોની સાથે રાત્રિભોજન વિરમણનું પ્રતિપાદન છે. અને તેને છઠું વ્રત કહ્યું છે. સર્વવિરતિ શ્રમણ પંચમહાવ્રતોનાં પાલન ઉપરાંત પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાવીસ પરિષહ, બાર ભાવના, દસ યતિધર્મ ઈત્યાદિનું પાલન કરે છે.
આગમગ્રંથોમાં રાત્રિભોજન ત્યાગનું વિશદ વર્ણન પરિશિષ્ટ-૧માં આપવામાં આવેલ છે.
૧.૮ શ્રાવકાચાર : દેશવિરતિ ચારિત્ર આચાર
જૈન આચારશાસ્ત્રમાં વ્રતધારી ગૃહસ્થ શ્રાવક, ઉપાસક, અણુવતી, દેશવિરત, સાગાર આદિ નામે ઓળખાય છે. તે શ્રદ્ધાપૂર્વક પોતાના ગુરુજનો અર્થાત્ શ્રમણો પાસેથી નિગ્રંથ - પ્રવચનનું શ્રમણ કરે છે.