________________
દેહાધ્યાસમાં દેહ આગળ છે અને દેહના કેન્દ્ર સ્થાનમાં સુખ છે. દેહાધ્યાસના મૂળમાં સુખકામના રહેલી છે. નામાધ્યાસમાં નામ આગળ છે અને નામના કેન્દ્ર સ્થાનમાં અહંકાર રહેલો છે. નામાધ્યાસના મૂળમાં અહંકારને પુષ્ટ કરવાની વૃત્તિ છે. કામાધ્યાસમાં કામવાસના આગળ છે અને કામવાસનાના કેન્દ્ર સ્થાને આકર્ષક રૂપ-રંગ રહેલ છે. કામાધ્યાસના મૂળમાં અતૃપ્ત પુદ્ગલરમણતા રહેલી છે. જ્યારે તાત્ત્વિક ગુરુશરણાગતિના મૂળમાં સદ્ગુણ પામવાની તીવ્ર ઝંખના અને આત્મરમણતા મેળવવાની તાલાવેલી રહેલી છે. શરણાગતિમાં પણ આગળ શરણ છે અને શરણના કેન્દ્રમાં નમ્રતા છે. શરણાગતિના મૂળમાં નમ્રતાનો સ્વીકાર છે. સુખકામનાને તોડવાની તાકાત સદ્ગુણકામનામાં છે. અહંકારવૃત્તિને તોડવાની તાકાત નમ્રતાના સ્વીકારમાં છે. તથા કામ-વાસનાોત્તેજક અતૃપ્ત પુદ્ગલરમણતાને ખતમ કરવાનું સામર્થ્ય સઘન આત્મરમણતાને મેળવવાની તાલાવેલીમાં રહેલ છે.
સદ્ગુરુ તો ગુણમય ચેતનવંતી આત્મરમણતાથી પરમ તૃપ્ત છે. તેવા ગુરુદેવની પારમાર્થિક શરણાગતિના મૂળમાં આત્મરમણતાનો આનંદ માણવાની અભીપ્સા, તાત્ત્વિક સદ્ગુણઝંખના અને નમ્રતાનો સ્વીકાર હોય છે જ. સુખકામના ઉપર ઊભા થયેલા દેહાધ્યાસને અને અહંકારવૃત્તિ ઉપર ઊભેલા નામાધ્યાસને તથા પુદ્ગલરમણતા ઉપર ઊભા થયેલા કામાધ્યાસને તોડવા માટે સદ્ગુણકામના અને આત્મરમણતાઝંખનાથી નમ્રભાવે સ્વીકારેલ માત્ર ગુરુશરણાગતિ જ સમર્થ છે. એક જ ઉપાય દ્વારા ત્રણેય દોષ નામશેષ બને. તેમજ માત્ર દેહાધ્યાસ તોડવાનો નથી. પરંતુ અનાસક્તભાવથી દેહાધ્યાસ તોડવાનો છે. તે માટે માત્ર ગુરુશરણાગતિ નહિ પણ બિનશરતી ગુરુશરણાગતિ આત્મસાત્ કરવાની છે. તો જ ત્રણેય શત્રુ ક્યારેય હેરાન ન કરે. અપુનઃર્ભાવથી નિવૃત્તિ પામે.
બિનશરતી ગુરુશરણાગતિથી પરમગુરુ પરમાત્માની પ્રાપ્તિ થાય
૪૭