________________
સાંજે દોરી ન છોડીએ તો શું વાંધો? શાસ્ત્રકારો આમાં ઉપવાસનો દિંડ ફરમાવે છે. દોરી પર સાંજે માખી બેસે. રાત્રે અંધારામાં તેને દેખાવાનું બંધ થઈ જાય એટલે તે ઉડવાની નથી. હવે માખીનો વાઘ જો ત્યાંથી પસાર થાય તો તે માખીને ખાઈ જાય અને તે વિરાધના આપણા પર આવે. માટે દોરી ન છોડવામાં ઉપવાસનો દંડ આવે. આપણે કદાચ આલોચના કરી, પ્રાયશ્ચિત્ત વહન કરી દઈશું. પણ તે માખીને પ્રાણ આપવાનું કામ તો આપણે નથી જ કરી શકવાના ને ! તો પ્રમાદને સેવીને કોઈના પ્રાણ લેવાનો અધિકાર આપણને કઈ રીતે મળી શકે? હા, જરૂર હોય તો દોરી સૂર્યાસ્ત વખતે છોડીને રાત્રે પાછી બાંધી દેવાય. તો વાંધો ન આવે. આપણને આમાં સમય બગડતો લાગે પણ વાસ્તવમાં આજ્ઞાપાલનનો પરિણામ ઉભો થાય છે. અને આમાં બીજાને સમાધિ આપવાની પ્રવૃત્તિ રહેલી છે. માટે તેનાથી આ લોક અને પરલોક બન્નેમાં આપણને સમાધિ મળે.
આપણને દોરી છોડવાની બે મિનિટ ન મળે તો વિહારમાં રસ્તો ભૂલાવીને કર્મસત્તા એક કલાક મોડું કરાવે. મનમાં શોક-અરતિ-ઉદ્વેગ થાય તે વધારામાં. ઠલ્લે જતાં ચાર કાંટા વાગે ત્યારે બચાવેલી બે મિનિટના બદલામાં બે દિવસ કર્મસત્તા બગાડે ત્યાં આપણી આવડત કાંઈ કામ નથી લાગતી. બીજાને શાતા આપવાનો પરિણામ આપણને શાતા આપે. જયણાપાલનમાં કરેલી ઉપેક્ષા સ્વ-પરને અસમાધિ કરાવે. આ વિચારીએ અને સક્રિય પુરુષાર્થ કરીએ તો સમાધિ મળે.
બીજાને શાતા આપવાનો પરિણામ આપણી અશાતાને શાતામાં સંક્રમ કરવાનું કામ કરે. માટે સાંજે દોરી છોડીએ જેથી માખી ન મરે. તેનાથી (૧) નવું શાતા વેદનીય કર્મ બંધાય અને (૨) જૂના અશાતા વેદનીય કર્મનું શાતામાં સંક્રમણ થાય. આમ બમણો લાભ મળે. ઉપરાંત (૩) આજ્ઞાપાલનનો લાભ મળે. (૪) આજ્ઞારુચિ સમ્યક્ત વધુ નિર્મળ બને. જ્યારે આમાં થતી ઉપેક્ષાથી આજ્ઞારુચિ સમ્યક્ત ગુમાવીએ તેવું પણ બને.
४८४