________________
તેઓને માર્ગનો પ્રેમ છે. “મારે અકાળે સ્વાધ્યાય નથી કરવો. ગ્લાનસેવાના અવસરે ચોપડી પકડવી નથી. સ્વાધ્યાયના અવસરે સ્વાધ્યાય કરવો છે. અકાળ છોડીને યોગ્ય કાળે ઉત્સાહપૂર્વક સ્વાધ્યાય કરનારને ધન્ય છે. તેમની સેવાનો લાભ મળે તો સારું” આ પ્રમાણે માર્ગે ચાલવાના પરિણામ બકુશ-કુશીલને છે. પણ કર્મની સામે આત્માનું બળ ઓછું પડે છે. માટે દોષની આલોચના કરે છે. તેથી તેને છઠ્ઠ ગુણસ્થાનક હોય. પણ પોતે કરેલી ભૂલમાં દલીલબચાવ આવે તો બકુશ કે કુશીલ પણ પાસત્થામાં ઉતરી જાય.
અહીં સમજી રાખવું કે નિશ્ચય નથી તો ૧૮૦૦૦ શીલાંગમાંથી એક પણ ન હોય તો છઠ્ઠ ગુણસ્થાનક ન ટકે. માટે જીવનમાં દોષનું સેવન કરતી વખતે માર્ગનો પ્રેમ છે કે નહિ ? માર્ગપક્ષપાત ખતમ થાય છે કે જાગતો રહે છે ? તે માટે સતત જાગૃત રહેવું. પ્રાયઃ આ વાતમાં ગુરુ કાંઈ વારંવાર પૂછવાના નથી. પૂછે તો આપણને પ્રાયઃ ગમવાના નથી. આપણે આપણી જાતે જ આ બાબતમાં આપણા ગુરુ બનવું પડે. ભગવાન કે ગુરુદેવ તો યોગ્યતા મુજબ માર્ગ બતાવે. મનના પરિણામ ઉભા કરવાની જવાબદારી આપણી છે. દીક્ષા લીધેલ તમે બધા ખાનદાન છો. મોક્ષની ઝંખનાથી નીકળેલા છો. પણ હવે ગાડી મૂળ પાટે છે કે આડે અવળે ? તે વિચારવું રહ્યું.
४७८