________________
થાય તો તે મોક્ષ આપે. કેવળ સ્વર્ગની યાત્રા તો અભવ્ય જીવ અને દૂરભવ્ય જીવો પણ કરે છે. આપણે શું એના રસ્તે ચાલવાનું ? કે પછી આસન્નભવ્ય મુક્તિગામી જીવોના રસ્તે ચાલવાનું? દોષની સૂગ આવે, તેનો ડંખ ઊભો થાય તો પ્રતિક્રમણ પણ ભાવપ્રતિક્રમણ બની શકે. બાકી બે ટાઈમ પ્રતિક્રમણ ઉભા ઉભા કરવામાં માત્ર મિથ્યા સંતોષ આવે. તેનાથી કેવળ સ્વર્ગ મળે. પરંતુ સ્વર્ગ દુર્લભ નથી. સ્વર્ગની યાત્રા તો ઢોર પણ કરે છે. મોટા ભાગની દેવની સંખ્યા તિર્યંચો પૂરી કરે છે. કારણ મનુષ્ય સંખ્યાતા છે અને ઉત્પન્ન થતા દેવો અસંખ્યાતા છે. સંખ્યાતા મનુષ્યોથી દેવલોકના અસંખ્યાતા દેવોની સંખ્યા કેવી રીતે પૂરાય ? અને નારકી કે દેવ તો મરીને દેવરૂપે બની ન શકે. માટે માનવું જ પડે કે તિર્યંચો દેવ બનીને ત્યાંની બાકીની સંખ્યા પૂરી કરે છે. તેથી સ્વર્ગની યાત્રા કરવામાં કાંઈ મોટી ધાડ નથી મારવાની. આમ ભાવઅનુષ્ઠાન માટે આજ્ઞાપાલનનો પરિણામ અને દોષનો ડંખ ઊભો કરવાનો. શાસ્ત્રમાં અકાળે સ્વાધ્યાયનો નિષેધ કર્યો છે. માટે તે અંગે પણ આજ્ઞાપાલનનો પરિણામ ઉભો કરવાથી અસમાધિથી બચી જવાય.
ઠાણાંગજી વગેરે શાસ્ત્રમાં પાસત્થા, બકુશ અને કુશીલ ત્રણની વાત આવે છે. પાસત્થાના મૂળ ગુણ અને ઉત્તરગુણ બન્નેમાં ખામી હોય અને છતાં તેનો ડંખ પણ ન હોય. બકુશના ઉત્તરગુણમાં ખામી હોય અને કુશીલના મૂળ ગુણમાં ખામી હોય. પણ આ બન્નેને તે ખામીનો ડંખ છે. માટે તેમનું સમ્યગ્દર્શન તેટલા અંશે ઝળહળતું છે. તે શક્તિ મુજબ માર્ગમાં પાછા આવે છે, રીવર્સ થાય છે. કર્મની સામે બાથ ભીડે છે. આંતરિક પરિણામોને ભગવાનના માર્ગ ઉપર સ્થિર રાખે છે. પોતે શિથિલ છે, પણ તેમાં ડંખ છે. એને ભગવાનની આજ્ઞા પાળવાની તમન્ના પણ છે. માટે ગુણસ્થાનકનો વિચાર કરીએ તો પાસત્થા ૧લા ગુણસ્થાનકે આવે અને બકુશ તથા કુશીલ ૬ કે ૭ મે ગુણસ્થાનકે આવે.
૪૭૭