________________
અહીં ખાસ વિચારવું કે “મેં મારામાં સાધુ ભગવંત પ્રત્યે પૂજ્ય તરીકેનો ભાવ જગાડ્યો નથી. માટે જ મને પ્રતિકૂળ વ્યવહાર કરનાર સાધુ નથી ગમતા.” જો તમામ સંયમી પ્રત્યે શુભ પરિણામ-પૂજ્યભાવસદ્ભાવ જગાડીએ તો પ્રસન્નતાનો અનુભવ થાય. એના બદલે “(૧) જે મને સહાય કરે તેને હું સહાય કરું. (૨) જે મારૂં પડિલેહણ કરે તેને જ હું ભણાવું. (૩) જે અમારા સમુદાયના હોય તેને જ હું પૂજ્ય માનું. (૪) જે અમારી માન્યતા ધરાવે તે જ સાચા અને સારા. (૫) જે માંદગીમાં મારી ભક્તિ કરે તેને જ હું અણીના અવસરે સહાય કરૂં.” એવા સમીકરણ હોય તો વીતરાગ ભગવાનનો આંતરિક માર્ગ ન મળે. જેનો હાથ પથરાથી ભરેલ હોય તેને રત્નનો વેપારી રત્ન આપે તો પણ તે રત્નને લઈ ન શકે. સાધુ પ્રત્યેનો આપણો સદ્ભાવ આપણને આગળ વધારે અને સંયમી પ્રત્યે આપણો દુર્ભાવ આપણને જ પછાડે.
લોકોત્તર એવી આરાધના અંતરમાં લૌકિક ભાવને રાખવાથી ન ફળે પણ લોકોત્તર ભાવ હોય તો જ ફળે. લૌકિક ભાવથી માત્ર દેવલોક મળે જ્યારે લોકોત્તર ભાવ હોય તો મોક્ષ પણ મળે. આપણને મળેલી લોકોત્તર એવી સામગ્રીની, દેવ-ગુરુ-ચારિત્ર ધર્મની, જિનાગમની આરાધના કરતી વખતે “હૈયામાંથી તમામ લૌકિક ભાવોને કાઢી નાંખવા છે' એવો સંકલ્પ કરીએ. તેના પ્રભાવે મારો સાધુ પ્રત્યેનો સંભાવ, જ્યારે મને સીમંધરસ્વામી મળશે ત્યારે, મને સાધુ બનાવવાનું અને મને સંયમમાં આગળ વધારવાનું કામ કરશે. વરસોના સંયમજીવન પછી પણ પ્રસન્નતાનો અભાવ હોય તો તેનું એક કારણ આપણે હૈયામાં લૌકિક ભાવોને પકડીને બેઠા છીએ તે તો નથી ને? તેની બરાબર તપાસ કરવી જોઈએ. છ મહિનાના ગંધાતા મસોતામાં બે-ચાર સેટના ટીપા નાખો તો કોઈ ફાયદો ન થાય. આ વાત આપણા જીવનમાં તો લાગુ ન જ પડવી જોઈએ. લૌકિક ભાવોના લીધે જીવન મસોતા જેવું મેલું તો ન જ બનવું જોઈએ.
- ૪િ૬૩
૪૬૩