________________
હોય તો બીજા પાસે સામાન્ય બોલપેન જોઈ તે વ્યક્તિનો પોતે પરાભવ ન કરી શકે. આ મદ ટાળવાનો ઉપાય એ છે કે સામાન્યથી કાયમ સાદી વસ્તુ રાખવી. કદાચ કોઈ પરાણે વિશિષ્ટ ક્વોલિટીવાળી વસ્તુ વહોરાવી જાય તો પણ પોતાને મળેલ વસ્તુનું મહત્ત્વ ન રાખવું. તો તેનું અજીર્ણ ન થાય. માત્ર બાહ્ય વસ્તુ માટેની આ વાત નથી. આંતરિક તમામ શક્તિમાં પણ આ જ રીતે સમજી લેવું. પોતાને મળેલી કોઈ પણ શક્તિનું પોતે મહત્ત્વ સ્થાપિત ન કરવું. પછી તે લેખન શક્તિ હોય, ગાવાની શક્તિ હોય, શાસનપ્રભાવનાની શક્તિ હોય, તપની શક્તિ હોય, શિષ્યની શક્તિ હોય, પુણ્ય-સૌભાગ્યની શક્તિ હોય કે શ્રુતની શક્તિ હોય. જે શક્તિ મળે તેનાથી પોતાને મહાન સમજી બેસે તો શક્તિનું અજીર્ણ થાય. શક્તિનું અજીર્ણ ન થાય તે માટે શક્તિના દૂષણો કાયમ નજરની સામે રાખવાના. જેવા કે
(૧) આપણને જે શક્તિ મળી છે તે અધૂરી છે. સંપૂર્ણ શક્તિ તો કેવળજ્ઞાની પાસે છે. ૧૪ પૂર્વ તો શું ૪૫ આગમ પણ મોઢે કરવાની વર્તમાનમાં આપણી શક્તિ નથી. એક દિવસમાં ૫૦૦ ગાથા આપણે મોઢે કરી શકવાના નથી. ત્રિપદી પામીને દ્વાદશાંગીને રચનાર ગણધર ભગવંતો કે રોજ સાત વાચના લેનાર સ્થૂલભદ્રસ્વામી પાસે આપણી જ્ઞાનની શક્તિ કેટલી પાંગળી અને અધૂરી ?
(૨) જે શક્તિ મળી છે તે વિનશ્વર છે, પરભવમાં આપણી સાથે આવવાની નથી. કડકડાટ ચાલતી હોય તેવી ગાથા પણ જો રીવિઝન ન કરીએ તો ભૂલાઈ જાય છે. પચાસ ઓળી કર્યા પછી તબિયત બગડે તો એક આયંબિલ પણ કદાચ ન થાય. વળી આ ભવમાં મળેલી તમામ શક્તિ મોત સુધી સાથે રહેવાની કોઈ ગેરંટી નથી. ગાથા ગોખવાની સારી શક્તિ હોય અને મોટી ઉંમરે ગોખવાની, યાદ રાખવાની શક્તિ ઘસાઈ જાય. કદાચ બ્રેઈન હેમરેજ થઈ જાય તો વર્ષોથી સાથે રહેલાને પણ ન ઓળખી શકીએ. આ ખ્યાલ હોય તો જ્ઞાનશક્તિનું અજીર્ણ ન થાય.
૪૨૦