________________
૧૫ દિવસના ૩૦ ટંકના પડિલેહણમાંથી ૨૫ ટંક પણ ગુરુ, વિદ્યાગુરુ કે વડીલનું પડિલેહણ ન કરીએ, ગ્લાનસેવાની ઉપેક્ષા કરીએ, શાસ્ત્રીય સ્વાધ્યાયના બદલે દૈનિક છાપા-સાપ્તાહિક પૂર્તિ-માસિક મેગેઝીન વગેરેનો જ સ્વાધ્યાય (!) કરીએ અને તેમાંય કોઈ ડંખરંજ ન રાખીએ, આલોચના ન કરીએ, પ્રમાદમાંથી પીછેહઠ ન કરીએ તો ગૃહસ્થ કરતાં આપણે વધુ દયાપાત્ર બનીએ. કર્તવ્યભ્રષ્ટ થવા જેવું બીજું કોઈ પાપ નથી.
નાના-નાના કર્તવ્યોમાં અહોભાવ, ભક્તિભાવ, આજ્ઞાપાલનભાવ, ઋણમુક્તિનો ભાવ, આરાધકભાવ ન પ્રગટાવીએ અને ગુરુભક્તિ, ગ્લાનિસેવા, નિર્દોષ સંયમચર્યા વગેરે કર્તવ્યોમાં ભ્રષ્ટ થઈએ તો સંઘરક્ષા, તીર્થરક્ષા, શાસનપ્રભાવના, બોધિબીજવાવણી, સમુદાયસંચાલન વગેરે મોટી જવાબદારી વહન કરવાની તાત્ત્વિકપારમાર્થિક લાયકાત ન આવી શકે.
“આત્મગુણોના ખીલવટની તીવ્ર તમન્ના કે આત્મકલ્યાણની ચિંતા ન હોય તેવા સાધુ ઉપર પ્રોગ્રામ, પ્લાનીંગ, ટ્રસ્ટ, ફંડ, ફાઉન્ડેશન, ફંકશન, ભક્તવર્ગ વગેરેની ચિંતા તથા સામૈયાના બેંડવાળાની ચિંતા, વિહારમાં સાથે લારી-વાહનની ચિંતા, માણસોના પગારની ચિંતા, પત્રિકા-પોસ્ટર-બેનર-પેમ્ફલેટ વગેરે સમયસર મેળવવા પ્રેસવાળાની ચિંતા, પ્રોજેક્ટ પૂરો કરવા ભક્તવર્ગ ઊભો કરવાની ચિંતા, પ્રોગ્રામ-સ્ટેજ વગેરે માટે મંડપવાળા-ડેકોરેશનવાળાની ચિંતા, વરઘોડા વગેરેમાં ઐતિહાસિકતા લાવવા નવીન નૃત્યકાર, કલાકાર, સંગીતકાર, ઢોલીવાળા વગેરેને લાવવાની ચિંતા વગેરે ઠોકી બેસાડવા માટે તો કર્મસત્તા તરફથી પ્રભાવક' નું બિરુદ અપાતું નહિ હોય ને ?” આ સમસ્યાનું સમાધાન કેવલજ્ઞાનીઅતિશયજ્ઞાની વગેરે સિવાય કોણ આપી શકે ?
-૩૮૪–