________________
ભાવોની નોંધ ન લેવી. દીવાલમાં રહેલ આકર્ષક સૌમ્ય વીતરાગની છબીની નોંધ રાખીએ તેમ તેઓના ક્ષાયોપમિક ભાવોની નોંધ રાખવી. ઔદિયકભાવના દર્શન દીવાલની જેમ, ક્ષાયોપશમિક ભાવનું નિરીક્ષણ આકર્ષક તીર્થપટની જેમ કરવા ચામડાની આંખ ઉપર વધુ મહત્ત્વ આપવાના બદલે ગુણગ્રાહી ર્દષ્ટિ ઉપર ભાર આપ્યા વિના છૂટકો જ નથી.
વળી, આપણી આસપાસ તપસ્વી, ત્યાગી, વૈરાગી, જ્ઞાની, મૌની, આત્માર્થી, જયણાપ્રેમી સંયમીઓ રહેલા હોવાથી આપણને પણ તપ, ત્યાગ, સ્વાધ્યાય વગેરેમાં પ્રવૃત્તિ કરવાનું આલંબન મળે છે અને આપણે યથાશક્તિ તપ, સ્વાધ્યાય વગેરે યોગમાં જોડાઈએ છીએ. જો આપણે એકલા રહીએ તો વર્તમાનમાં આપણા જે તપ, ત્યાગ, સ્વાધ્યાય વગેરે દેખાય છે તે પ્રાયઃ રવાના થઈ જાય. એકલાને એક્સીડન્ટ કે માંદગીમાં સહાય, સમાધિ, સાંત્વન પણ કોણ આપે? મતલબ કે ‘આપણે સંયમ પાળીએ છીએ' આ વાતના બદલે ‘આપણને સહવર્તી સંયમીઓ સંયમ પળાવે છે, સંયમમાં ટકાવે છે' આ હકીકતને હૃદયમાં કોતરી રાખીએ તો સહવર્તી પ્રત્યે પ્રમોદભાવ જાગ્યા વિના ન રહે. બાકી જતે દહાડે સમુદાયને છોડવાની, સહવર્તીને તરછોડવાની ભૂમિકાએ પહોંચી જવાય. મગર વગેરેના ત્રાસથી સમુદ્રને છોડનાર માછલીની જેવી હાલત થાય તેવી હાલત સમુદાયમાં થતી બોલાચાલી વગેરે તકલીફથી સમુદાયને છોડનાર સાધુની થાય. આવું શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં અને શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા પંચાશકજીમાં જણાવે છે.
લખી રાખો ડાયરીમાં...
સત્ત્વહીનને બદનામીનો ડર હોય,
બેઈમાનીનો ડર ન હોય.
૩૭૨