________________
ઉપાર્જન નહિ પણ પ્રગટીકરણ. સંસારીને ઉપાર્જનમાં રસ હોય અને સંયમીને પ્રગટીકરણમાં રુચિ હોય- આ બાબતને આજે શાંતિથી વિચારીએ. ધનોપાર્જન, પુત્રોપાર્જન, કીર્તિઉપાર્જન, સ્થાનોપાર્જન, માનોપાર્જન વગેરેની પાછળ ગૃહસ્થ પુરુષાર્થ કરે. સંયમીને તો આત્માની શુદ્ધિ, ગુણસમૃદ્ધિ અને આત્મરમણતાના પ્રકટીકરણમાં રસ હોય. નમ્રતા, સરળતા, નિર્દોષતા, નિખાલસતા, નિરભિમાનિતા, નિર્દભિતા, નિર્વિકારિતા વગેરે ગુણોના પ્રકટીકરણને જ કેન્દ્રસ્થાને ગોઠવીને સંયમી ઉદ્યમ કરે.
પોતાનું ન હોય તેને પેદા કરવું તે ઉપાર્જન. પોતાનું જ જે છે, પણ અપ્રગટ છે, તેની ખીલવણી કરવી તે પ્રકટીકરણ. નિરર્થક ચીજનો વધારો = ઉપાર્જન. નિરર્થકનું નિવારણ = પ્રગટીકરણ. પત્થરના નકામા-નિરર્થક ભાગો દૂર થતાં તેમાં સુંદર, આકર્ષક આકૃતિ-પ્રતિકૃતિ પ્રગટ થાય છે તેમ નિરર્થક દોષો દૂર થતાં જ સાર્થક સદ્ગણો સ્વયં પ્રગટે છે. પરંતુ નિરર્થકને છોડવાની તૈયારી ન હોય તેના જીવનમાં સાર્થકનું પ્રગટીકરણ અશક્ય છે. ઉપાર્જનમાં ફલેશ-અંકલેશ, વિરાધના, દોષસેવન વગેરે ઘણું ઘણું વળગણ છે. જ્યારે પ્રકટીકરણમાં નિસ્તરંગ મસ્તી છે. ઉપાર્જનમાં અતૃપ્ત રીતે ભટકવાનું-રખડવાનું-આથડવાનું છે. પ્રકટીકરણમાં પરમ વિશ્રાન્તિતૃપ્તિ છે.
પરંતુ સંયમજીવનમાં પણ પ્રકટીકરણના બદલે ઉપાર્જન જ જ્યારે લક્ષ્યસ્થાને પ્રતિષ્ઠિત થાય છે ત્યારે ઘણી મુશ્કેલી સર્જાય છે. શિષ્યોપાર્જન, કીર્તિઉપાર્જન, ટ્રસ્ટ ઉપાર્જન, અભિનવતીર્થ નિર્માણ વગેરે બાબતો સંયમજીવનમાં મુખ્ય બની જાય તો સંકલેશ, ટેન્શન, આવેશ, આવેગ, આક્રોશ, ગૃહસ્થગુલામી, પરનિંદા, અકળામણ, અજંપો વગેરે દોષો કબજો જમાવ્યા વિના ન રહે.
-૩૫૩
૩૫૩